Business

લાંબા સમય પછી શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1146 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,000 પાર

સોમવારે ભારતીય શેરબજારમાં લાંબા સમય પછી જોરદાર તેજી જોવા મળી છે. સવારે જ બજારમાં ભારે ખરીદી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ ચઢ્યો અને નિફ્ટી 25,000ના ઐતિહાસિક સ્તર પાર કરી ગયો.

સોમવારની વહેલી સવારે જ સેન્સેક્સ 1146.53 પોઈન્ટ 1.42 ટકા વધીને 81,744.19 પર હતો. જ્યારે નિફ્ટી 383.15 પોઈન્ટ 1.56 ટકા વધીને 25,014.45 પર ટ્રેડ થઈ રહ્યો. આ તેજીથી રોકાણકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

તેજીનું મુખ્ય કારણ શું છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં મોટા સુધારાનો સંકેત આપ્યો છે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે આ સુધારા બજારમાં સકારાત્મક માહોલ લાવશે.

નવી દરખાસ્ત મુજબ હાલના ચાર GST સ્લેબને ઘટાડીને ફક્ત બે સ્લેબ (5% અને 18%) કરવાના છે. જ્યારે 28%નો સૌથી વધુ દર દૂર કરીને મધ્યમ દર 12% લાવવામાં આવશે. આ બદલાવથી ખાસ કરીને ઓટોમોબાઈલ અને સિમેન્ટ ક્ષેત્રને મોટો ફાયદો થશે. હાલ આ ક્ષેત્રો પર સૌથી વધુ ટેક્સ છે.

તેજીનું બીજું મોટું કારણ: ક્રેડિટ રેટિંગ અપગ્રેડ
શેરબજારમાં તેજીનું બીજું મોટું કારણ છે કે S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ભારતનું સોવરિન ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવું. S&P એ ભારતનું લાંબા ગાળાનું ક્રેડિટ રેટિંગ ‘BBB-‘ પરથી વધારીને ‘BBB’ કર્યું છે. ખાસ વાત એ છે કે 2007 પછી આ પહેલો અપગ્રેડ છે. આથી વૈશ્વિક રોકાણકારોમાં પણ ભારત પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

10 નાણાકીય સંસ્થાઓના રેટિંગમાં સુધારો
ભારતના ક્રેડિટ રેટિંગ સાથે S&Pએ 10 ભારતીય નાણાકીય સંસ્થાઓના રેટિંગમાં પણ સુધારો કર્યો છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન બેંક, બજાજ ફાઇનાન્સ, ટાટા કેપિટલ અને L&T ફાઇનાન્સનો સમાવેશ થાય છે. આ સુધારા પછી બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં વધુ તેજી જોવા મળી રહી છે.

ટેકનિકલ ચાર્ટ પણ સકારાત્મક
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલના ટેકનિકલ ચાર્ટ પણ બજારમાં તેજી જાળવશે તેવો સંકેત આપી રહ્યા છે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે ભારતીય શેરબજારમાં હવે લાંબા ગાળાની તેજીનો નવો ચક્ર શરૂ થઈ શકે છે.

આ રીતે GST સુધારા અને ક્રેડિટ રેટિંગ અપગ્રેડના સંયોજનથી ભારતીય શેરબજારમાં લાંબા સમય પછી સારો ઉછાળો આવ્યો છે. રોકાણકારો માટે આ અઠવાડિયું ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે.

Most Popular

To Top