અમેરિકા સાથે ભારતના વધતા વેપાર તણાવ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી બે દિવસીય ભારત પ્રવાસે આવી રહ્યા છે. સોમવાર તા.18 ઓગસ્ટથી શરૂ થતી આ મુલાકાત દરમિયાન તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર ટેરિફ 50 ટકા સુધી વધારી દીધો છે. આ પગલાંથી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે. આ પરિસ્થિતિમાં ચીન સાથેની ચર્ચા ભારત માટે એક નવી રાજદ્વારી દિશા નક્કી કરી શકે છે.
દ્વિપક્ષીય બેઠક અને સરહદ મુદ્દા પર ચર્ચા
વાંગ યી સોમવાર સાંજે 4:15 વાગ્યે દિલ્હી પહોંચશે અને 6:00 વાગ્યે વિદેશ મંત્રી જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ મુલાકાત દરમિયાન ભારત અને ચીન વચ્ચે વિવાદિત સરહદ પર કાયમી શાંતિ અને સ્થિરતા લાવવા માટેના પગલાં અંગે ચર્ચા થવાની શક્યતા છે. બંને દેશો વચ્ચેના સંબંધો 2020ની ગાલવાન ખીણ અથડામણ પછી ગંભીર તણાવ હેઠળ છે.
NSA અજિત ડોભાલ સાથે બેઠક
મંગળવાર તા.19 ઓગસ્ટે સવારે 11:00 વાગ્યે વાંગ યી NSA અજિત ડોભાલ સાથે ખાસ પ્રતિનિધિ (SR) વાટાઘાટો કરશે. સરહદ મુદ્દા પર બંને દેશોએ પોતાના ખાસ પ્રતિનિધિ નિમ્યા છે. જેમાંથી ભારત તરફથી અજિત ડોભાલ અને ચીન તરફથી વાંગ યી જવાબદાર છે. આ વાટાઘાટો લાંબા ગાળાની શાંતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીને પણ મળશે
વાંગ યી મંગળવારે સાંજે 5:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. આ બેઠકમાં સરહદ મુદ્દા સિવાય વેપાર, ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા થવાની સંભાવના છે.
મુલાકાતનું મહત્વ
વાંગ યીની આ મુલાકાતને વ્યાપકપણે બંને દેશો વચ્ચેના તણાવગ્રસ્ત સંબંધોને ફરીથી સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવનારી ચીન મુલાકાત પહેલા થઈ રહી છે. જેના કારણે તેને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.