ગુરુગ્રામના પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવના ઘરે વહેલી સવારે ગોળીબાર થવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, સવારે લગભગ 5:30 વાગ્યે ગુરુગ્રામના સેક્ટર-57 વિસ્તારમાં આવેલી એલ્વિશની રહેણાક સોસાયટીની બહાર ત્રણ માસ્ક પહેરેલા બાઇક સવાર બદમાશોએ તાબડતોબ ગોળીબાર કર્યો હતો.
માહિતી મુજબ, હુમલાખોરોએ 4 થી 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની વાત સામે આવી છે, જ્યારે કેટલાક સૂત્રોનું કહેવું છે કે બદમાશોએ બે ડઝનથી વધુ ગોળીઓ ચલાવી હતી. જો કે, હજી સુધી ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. સદભાગ્યે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના સમયે એલ્વિશ યાદવ ઘરમાં હાજર ન હતા, પરંતુ તેમની માતા સુષ્મા યાદવ અંદર હાજર હતી. આ અચાનક ગોળીબાર બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઘટના બાદ ગુરુગ્રામ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે જેથી હુમલાખોરોની ઓળખ મળી શકે. હાલમાં હુમલાનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને ઘટનાની દરેક એન્ગલ પરથી તપાસવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે એલ્વિશ યાદવ માત્ર યુટ્યુબ પર જ નહીં, પરંતુ બિગ બોસ ઓટીટી જીત્યા બાદ ઘરઘરમાં જાણીતું નામ બની ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર તેમના કરોડો ચાહકો છે. આ હુમલાની ખબર મળતાં જ ચાહકો ચોંકી ગયા છે અને એલ્વિશની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ખાસ વાત એ છે કે આ કેસને હરિયાણવી ગાયક રાહુલ ફાજિલપુરિયા પર થયેલા તાજેતરના હુમલા સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. ગયા મહિને રાહુલ ફાજિલપુરિયા પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એલ્વિશ અને રાહુલ વચ્ચે નજીકના સંબંધો હોવાના કારણે પોલીસ આ બંને ઘટનાઓને કનેક્ટ કરીને તપાસ કરી રહી છે.
હાલમાં ગુરુગ્રામ પોલીસ આરોપીઓની શોધમાં લાગી છે. આગળની તપાસ બાદ જ આ મામલાની સાચી હકીકત બહાર આવશે.