વિસ્તારના કાઉન્સિલરો તો કામ નથીજ કરતા પણ આ વિસ્તારના ધારાસભ્ય પણ નિષ્ક્રિય, માત્ર પોતાના રોટલા શેકે છે
વડોદરા અકોટા બ્રિજ નજીક પરશુરામ ભઠ્ઠા થી ભવાનીનગર, રણજીતનગર અને મહાકાળી નગર તરફ જતા મુખ્ય રોડની હાલત છેલ્લા દસ વર્ષથી અત્યંત ખરાબ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ માટે બે વખત ખાતમુહૂર્ત થયું પ્રથમ વખત તત્કાલીન ધારાસભ્ય સીમાબેન મોહિલે ના સમયમાં અને ત્યારબાદ ફરી એક વાર ભૂમિ પૂજન કરાયું પરંતુ બંને વખત કામ અધૂરું રહ્યું.
હાલના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર પણ લોકો નારાજ છે. તેમના મુદ્દે સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટાયા બાદ તેઓ વિસ્તારની મુલાકાતે પણ આવ્યા નથી, જ્યારે ચૂંટણી સમયે રોડ નિર્માણ અને વિસ્તારના વિકાસના વચનો આપ્યા હતા.
રોડની હાલત એટલી દયનીય છે કે વાહનોના ટાયર ફાટી જવાની ફરિયાદો વધ્યા છે. વરસાદી મોસમમાં કાદવ, ખાડાઓ અને અસમાન સપાટી કારણે સ્થાનિકોને ભારે તકલીફો પડે છે. લગભગ 25 થી 30 હજાર લોકો આ સમસ્યાથી પ્રભાવિત છે.
લોકો અનેકવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં રોડનું કામ શરુ કરવામાં આવ્યું નથી. ગુરુવારે સ્થાનિકોએ પોતે જ રોડ પર ઉતરી પ્રતિનિધિત્વ સ્વરૂપે ‘ખાતમુહૂર્ત’ કરીને અનોખી રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.
હવે જોવાનું એ છે કે ચૈતન્ય દેસાઈ, પાલિકાના અધિકારીઓ અને સંબંધિત તંત્ર ક્યારે જાગે છે અને આ વિસ્તારને નવા રોડનું કામ ક્યારે મળે છે.
હાલના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ નિષ્ક્રિય…
હાલના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અંગે તો સ્થાનિકોનો ગુસ્સો ઉફાને છે. “મત માગવા દરવાજે દરવાજે આવ્યા, હવે અમારી ગલીમાં પગ પણ મૂક્યા નથી,” એમ એક રહેવાસીએ તીખો પ્રહાર કર્યો. ચૂંટણી દરમિયાન નવા રોડ અને વિસ્તારના વિકાસના વચનો આપનારા દેસાઈએ, ચૂંટાયા બાદ એકવાર પણ પરિસ્થિતિ નિરીક્ષણ માટે પગલાં લીધાં નથી.