કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના આરોપો વચ્ચે ચૂંટણી પંચે વિપક્ષી પક્ષો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમણે ‘મત ચોરી’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને ખોટી વાર્તા બનાવવાને બદલે પુરાવા આપવા જોઈએ.
ચૂંટણી પંચે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિએ કોઈ પણ વખત ચૂંટણીમાં ખરેખર જો બે વાર મતદાન કર્યું હોય અને જો તેનો પુરાવો હોય તો તેને લેખિતમા સોગંદનામાં સાથે ચૂંટણી પંચને મોકલવા જોઈએ. પુરાવા વિના ચોર કહેવું જોઈએ નહીં.
‘એક વ્યક્તિ એક મત કાયદો’ પ્રથમ ચૂંટણીથી જ લાગુ છે: ચૂંટણી પંચ
ચૂંટણી પંચે વિપક્ષ સામે આરોપ લગાવતા જણાવ્યું કે ‘એક વ્યક્તિ એક મત’નો કાયદો 1951-1952ની પહેલી ચૂંટણીઓથી જ અસ્તિત્વમાં છે. પહેલી ચૂંટણી સાથે એટલે કે 73 વર્ષ પહેલાથી જ કાયદો અમલમાં છે.
‘મત ચોરી’ જેવા શબ્દોનો ઉપયોગ ન કરવો
ચૂંટણી પંચે કહ્યું કે ભારતીય મતદારો વિરુદ્ધ “મત ચોરી” જેવા શબ્દોનો ઉપયોગ કરીને ખોટી વાર્તા રચવાનો પ્રયાસ માત્ર કરોડો ભારતીય મતદારો પર જ નહીં પરંતુ લાખો ચૂંટણી અધિકારીઓની પ્રામાણિકતા પર પણ સીધો હુમલો છે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે 2024ની ચૂંટણીમાં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભાના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં એક લાખથી વધુની ‘મત ચોરી’ થઈ હતી. જેના પરિણામે કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હતો. જોકે આ આરોપ પર ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમના દાવાઓ પર લેખિત ઘોષણા કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “આવી ‘મત ચોરી’ એક કે બે વાર નહીં પણ ઘણી બેઠકોમાં આવું બન્યું છે. ચૂંટણી પંચ પણ આ વાત જાણે છે કે પહેલા કોઈ પુરાવા ન હોતા પણ હવે છે”.
તેમણે વધુમાં કહ્યું કે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ. ચૂંટણી પંચ ‘એક વ્યક્તિ, એક મત’ ની પોતાની ફરજ બજાવી રહ્યું નથી. ચિત્ર હજુ આવવાનું બાકી છે.