ખાસવાડી સ્મશાનમાં કર્મચારીઓના અભાવે અંતિમક્રિયા માટે આવેલા પરિવારજનોને ભારે હાલાકી
વડોદરા: વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં આજે કર્મચારીઓના અભાવને કારણે અંતિમક્રિયા માટે આવેલા પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મૃતકના સ્વજનોને લાંબા સમય સુધી અંતિમવિધિ માટે રાહ જોવી પડી, જેનાથી પરિવારજનોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના 31 સ્મશાનોનું સંચાલન અને જાળવણી 7 જુલાઈ, 2025થી ઇજારા પદ્ધતિથી ખાનગી સંસ્થાઓને સોંપ્યું છે. આ ખાનગીકરણના નિર્ણય સમયે ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ દાવો કર્યો હતો કે ખાનગી સંસ્થાઓ દ્વારા અંતિમક્રિયા નિઃશુલ્ક થશે, લોકોને સારી સુવિધા મળશે અને કોઈપણ પરિજનોને તકલીફ નહીં પડે. તેમણે આને લઈને વિપક્ષ અને સ્થાનિકોમાં ચાલી રહેલા વિરોધને “ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ” ગણાવ્યો હતો. પરંતુ માત્ર એક મહિના પછી જ ચેરમેનના દાવા ખોટા સાબિત થયા છે.
આજે ખાસવાડી સ્મશાન ખાતે કર્મચારીઓની અછતને કારણે અંતિમવિધિમાં વિલંબ થયો હતો. પરિવારજનોને પોતે જ અનેક કામ કરવા પડ્યા હતા. આ પરિસ્થિતિએ પાલિકાના નિર્ણયો અને ચેરમેનના નિવેદનો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
વિપક્ષ પહેલેથી જ કહી રહ્યો હતો કે ખાનગીકરણ પછી સેવાઓમાં ગડબડ અને કર્મચારીઓની અછત સર્જાશે. સાથે જ જે સામાજિક સંસ્થાઓ કામ કરી રહી હતી તેમને પણ આ ઇજારા પદ્ધતિનો વિરોધ કર્યો હતો. હવે આજની ઘટનાએ ચેરમેને કરેલા પોકળ દાવાની પોલ ખુલી છે. ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી દ્વારા કરાયેલા સુવિધા સુધારાના દાવાઓ હકીકતમાં અમલમાં ઉતર્યા નથી.
પાલિકા દ્વારા ખાનગી સંસ્થાઓને આમંત્રણ આપતી વખતે વચન આપવામાં આવ્યું હતું કે પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી નહીં થાય અને અંતિમક્રિયા સરળતાથી થશે. પરંતુ આજની ઘટનાએ સાબિત કરી દીધું છે કે યોગ્ય આયોજન વગર લેવામાં આવેલા ખાનગીકરણના નિર્ણયો પ્રજાને તકલીફ પહોંચાડે છે. પરિજનોનો પ્રશ્ન છે કે, અંતિમવિધિ જેવી સંવેદનશીલ સેવાઓમાં પણ જો પાલિકા અને ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રીના વચનો ખાલી સાબિત થાય તો પ્રજા કોને વિશ્વાસે ?