શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે એલઇડી સ્ક્રીન પર રાહુલ ગાંધીએ વોટચોરી અંગે કરેલી પત્રકાર પરિષદનો વિડીયો બતાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ આજે રાવપુરા પોલીસે કરેલી કાર્યવાહી વિરુદ્ધ પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી. પક્ષના આગેવાનોના કહેવા મુજબ, આજે બપોરે 12 વાગ્યે રાહુલ ગાંધીના “વોટ ચોરી” કોન્ફરન્સનો વિડીયો LED સ્ક્રીન મારફતે બતાવવાના આયોજન દરમ્યાન, રાવપુરા વિસ્તારના એ.સી.પી. રઠવા અને પીઆઈ કે. જાધવ દ્વારા આગેવાનો અને કાર્યકરોને કોઈ ગુનો નોંધ્યા વિના અટકાયત કરી અયોગ્ય વર્તન કરવામાં આવ્યું.

કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓએ પોલીસની આ કાર્યવાહી “એકતરફી અને તાનાશાહી” ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી.

પક્ષના જણાવ્યા મુજબ, એલઈડી સ્ક્રીન દ્વારા સાંજે 6:30 વાગે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે કાર્યક્રમની પૂરતી પરવાનગી હોવા છતાં રાવપુરા પોલીસે વિઘ્ન પેદા કરી કાર્યકરોને અટલાદરા પોલીસ મથકે ડિટેન કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે થોડા દિવસ પહેલાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં પુતળા દહન કાર્યક્રમ થયો ત્યારે પોલીસ મૌન રહી હતી.
રજુઆત દરમિયાન, આવતીકાલે યોજાનારી “વોટ ચોર – ગદ્દી છોડ” મશાલ યાત્રા માટે પણ પરવાનગી માગવામાં આવી હતી. કમિશ્નરએ સકારાત્મક અભિગમ બતાવતા સહમતિ વ્યક્ત કરી, જેના બદલ પક્ષે તેમનો આભાર માન્યો. આ યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રધાન અમિત ચાવડા ની આગેવાની હેઠળ યોજાશે.