રાહુલ ગાંધી દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ બાદ હવે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના મતદાર યાદીમાં નામ મામલે મોટો આક્ષેપ કર્યો છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર 45 વર્ષ મુદ્દો બહાર લાવી જૂનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના દાવા મુજબ 1980માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ખરેખર તે સમયે સોનિયા ગાંધી ભારતના નાગરિક નહોતા. ભાજપે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભારતીય નાગરિક ન હોવા છતાં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં કેવી રીતે આવી ગયું?
ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે, 1946માં ઇટાલીમાં જન્મેલી સોનિયા ગાંધી 1980થી 1982 સુધી મતદાર યાદીમાં હતી. પરંતુ તે સમયગાળા દરમિયાન તેમને ભારતીય નાગરિકતા મળવા માટે હજુ એક વર્ષ બાકી હતો.
આ આરોપ એવા સમયે આવ્યો છે જ્યારે કોંગ્રેસે ભાજપ અને ચૂંટણી પંચ પર મતદારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસે પોતાની હાર છુપાવવા પાયવિહોણા આરોપો લગાવે છે: અમિત માલવિયા
ભાજપના નેતા અમિત માલવિયાએ X પર દસ્તાવેજ શેર કરીને દાવો કર્યો કે સોનિયા ગાંધીનું નામ 1980ની નવી દિલ્હી લોકસભા મતવિસ્તારની મતદાર યાદીમાં ઉમેરાયું હતું. તે સમયે તેઓ પોતાના પતિ રાજીવ ગાંધી સાથે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાને રહેતા હતા.

ભાજપે આને “ખુલ્લી છેતરપિંડી” ગણાવી છે અને સવાલ ઉઠાવ્યો છે કે જો આ છેતરપિંડી નથી તો પછી શું છે? અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મતદારો સાથે છેતરપિંડીના આરોપોમાં ખોટા આંકડા આપી રહ્યા છે.
ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ પોતાની હાર છુપાવવા માટે પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. હવે કોંગ્રેસ તરફથી આ મુદ્દે શું પ્રતિસાદ મળે છે, તે જોવાનું રહ્યું છે.