ફાયર વિભાગ બાદ શહેરમાં કૂતરાના ખસીકરણમાં પણ ભ્રષ્ટાચારની ગંધ
વડોદરામાં કરોડો ખર્ચ છતાં કૂતરાનો ત્રાસ યથાવત, યોજનાઓના પરિણામો સવાલ હેઠળ
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને કૂતરાના ખસીકરણ અને એન્ટી-રેબિઝ વેક્સિનેશન યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પરંતુ શહેરની હાલત જોવામાં આવે તો પ્રશ્ન ઊભો થાય છે કે આટલો ખર્ચ છતાં વાસ્તવિક પરિણામ કંઈક અલગ જ રહ્યું છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા પોતે જ દર્શાવે છે કે છેલ્લા દાયકામાં કરોડો ખર્ચાયા છતાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને કૂતરા કરડવાના બનાવો યથાવત છે. વર્ષ 2016-17 થી 2025-26ના જુલાઈ સુધીના આંકડા મુજબ કુલ 85 હજારથી વધુ કૂતરાનું ખસીકરણ કરવામાં આવ્યું છે અને તેના પાછળ કુલ 7 કરોડથી વધુ ખર્ચ થયો છે. 2016-17માં સૌથી વધુ 14,474 કૂતરાનું ખસીકરણ કરીને 1 કરોડ 36 લાખ 5 હજાર 560 રૂપિયા ખર્ચાયા હતા. ત્યારબાદના વર્ષોમાં આ સંખ્યા ધીમે ધીમે ઘટી છે. 2024-25માં ફક્ત 5,509 કૂતરાનું ખસીકરણ થયું, પરંતુ ખર્ચ 90 લાખથી વધુ રહ્યો. હાલના 2025-26માં જુલાઈ સુધીમાં ફક્ત 2,032 કૂતરાનું ખસીકરણ થયું છે, પરંતુ ખર્ચ 33 લાખથી વધુ થઈ ચૂક્યો છે. સંખ્યામાં ઘટાડા છતાં ખર્ચમાં મોટો ફેરફાર ન થવો પણ સવાલ ઊભો કરે છે.
એન્ટી-રેબિઝ વેક્સિનેશન માટે 2022 થી 2025 દરમિયાન 99 હજારથી વધુ કૂતરાઓને નવી કે બૂસ્ટર ડોઝ આપવામાં આવી છે. 2024માં સૌથી વધુ 32,127 કૂતરાને રસી આપવામાં આવી હતી. 2025માં હાલના આંકડા મુજબ 22,675 કૂતરાને રસી આપવામાં આવી છે. આટલી રસીકરણ કામગીરી છતાં શહેરમાં કૂતરા કરડવાના બનાવો અને રખડતા કૂતરાઓની સંખ્યા ઘટાડાના બદલે કેટલાંક વિસ્તારોમાં વધતી જણાઈ રહી છે. પ્રશ્ન એ છે કે મહાનગરપાલિકા દર વર્ષે આ યોજનાઓ પર કરોડો ખર્ચ કરે છે, પરંતુ તેના સ્પષ્ટ અને માપી શકાય એવા પરિણામો જોવા મળતા નથી. જો ખરેખર અસરકારક નિયંત્રણ થતું હોત તો રખડતા કૂતરાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળવો જોઈએ હતો. પરંતુ હાલની પરિસ્થિતિ તેના બિલકુલ વિપરીત છે. આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે યોજનાઓમાં કરાયેલ ખર્ચ અને મેદાનમાં મળતા પરિણામો વચ્ચે મોટું અંતર છે. નાગરિકો હજુ પણ અનેક વિસ્તારોમાં રખડતા કૂતરાઓથી પરેશાન છે. બાળકો અને વૃદ્ધો પર હુમલાના બનાવો બનતા રહે છે. આથી હવે જરૂરી છે કે પાલિકા માત્ર આંકડા વધારવા નહીં, પરંતુ કાર્યક્ષમતા વધારવા પર ભાર આપે અને પૈસાનો વાસ્તવિક લાભ નાગરિકોને મળે તે રીતે યોજના અમલમાં મૂકે. નહીંતર કરોડો ખર્ચ છતાં પરિસ્થિતિ “ઠેરની ઠેર” જ રહેશે.