યુવા કામદારોના કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ થતા શોષણ સામે સામાજિક આગેવાનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
વર્ષોની સેવા પછી પણ કાયમી નોકરી ન મળતી હોવાથી અને ઉંમર વધતા નોકરીમાંથી હટાવાતા કામદારો માટે કાયમી ભરતીની માંગણી થઈ
વડોદરા: વડોદરા શહેરમાં કામદારોના હિતમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે સમયસર કાયમી નીતિ અમલમાં મુકવા અને યુવા કામદારોના શોષણને અટકાવવા માંગણીઓ વધુ જોર પકડી રહી છે. વડોદરાની કલેક્ટર કચેરી ખાતે સામાજિક આગેવાન તથા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોએ અધિકારીને આવેદનપત્ર રજૂ કરી તાત્કાલિક કાયદેસર પગલાં લેવા માંગની રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવાયું કે, હાલ ખાનગી ક્ષેત્રની અનેક કંપનીઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા યુવાન કામદારોને 5થી 15 વર્ષ સુધી સતત કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં રાખવામાં આવે છે. આ દરમિયાન તેમને કાયમી કર્મચારી તરીકેની કોઈ સુવિધા કે સુરક્ષા આપવામાં આવતી નથી. ખાસ કરીને જ્યારે એવા કામદારોની ઉંમર વધે છે ત્યારે તેઓને બહાર કાઢવામાં આવે છે, જેને કારણે આ યુવાનોના જીવનમાં અસુરક્ષા અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા સર્જાય છે.

આ બાબતે જો ન્યાયિક પગલાં નહીં લેવામાં આવે અને કાયમી ભરતી પ્રક્રિયા કાયદેસર રીતે શરૂ ન થાય, તો એવા કર્મચારીઓનું શોષણ ચાલુ રહેશે, જે અસ્વીકાર્ય છે. આવેદનપત્રમાં કલેક્ટરને ચેતવણી આપી હતી કે, જો માંગણીઓ પર યોગ્ય પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં દર સોમવારે કલેક્ટર કચેરી પર આવેદનની પ્રક્રિયા સતત રાખવામાં આવશે અને શાંતિપૂર્ણ આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવી જરૂરી છે કારણ કે, શહેર અને જિલ્લામાં વસતા યુવાનોના ભવિષ્ય સાથે સંકળાયેલો પ્રશ્ન છે. પ્રતિનિધિ ટીમે રજૂઆતના અંતે જણાવ્યું હતું કે, સરકાર, સંબંધિત અધિકારીઓ અને કંપનીઓ દ્વારા સમર્થન ન મળે તો, ઔદ્યોગિક વિસ્તારમાં પણ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કોન્ટ્રાક્ટ સિસ્ટમ અંગે કાયદા કડક બનાવવાની તથા ભવિષ્યમાં કાયમી ભરતી પ્રક્રિયા લાગુ કરવા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું હતું.