ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે છત્રસાલ સ્ટેડિયમમાં સાગર ધનખરની હત્યા કેસમાં તેમને આપવામાં આવેલા જામીન રદ કરી દીધા છે અને 7 દિવસની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ સંજય કરોલ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે તા.4 માર્ચે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના આદેશને રદ કર્યો છે. આ અરજી સાગર ધનખરના પિતા અશોક ધનખરે દાખલ કરી હતી, જેમાં હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
શું છે કેસનો ઇતિહાસ?
તા.4 મે 2021ના રોજ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં સાગર ધનખર અને તેના બે મિત્રો સોનુ તથા અમિત કુમાર પર હુમલો થયો હતો. આરોપ છે કે સુશીલ કુમાર અને તેના સાથીઓએ મિલકતના વિવાદને કારણે આ હુમલો કર્યો હતો.
સાગર જે હરિયાણાના રોહતકનો કુસ્તીબાજ હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન માથામાં બ્લન્ટ ફોર્સ ટ્રોમાને કારણે તેનું મૃત્યુ થયું હતું. તેના બંને મિત્રો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના બાદ સુશીલ કુમાર લગભગ 18 દિવસ સુધી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં ફરાર રહ્યો હતો. તા.23 મે 2021ના રોજ દિલ્હી પોલીસે મુંડકા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્તરના ખેલાડી પાસેથી ઉધાર લીધેલી સ્કૂટી પર પૈસા લેવા પહોંચ્યા હતા. ધરપકડ બાદ તેને જેલમાં મોકલવામાં આવ્યા પરંતુ માર્ચ 2024માં દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા હતા.
હવે સુપ્રીમ કોર્ટે આ જામીન રદ કરી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે સુશીલ કુમારે 7 દિવસની અંદર આત્મસમર્પણ કરવું પડશે, નહીં તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
સુશીલ કુમારનો ખેલ જગતમાં પ્રભાવ:
સુશીલ કુમારે 2008ના બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2012ના લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની ધરપકડ બાદ 2021માં રેલવેની નોકરીમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલના આદેશ બાદ તેઓને ફરી જેલમાં જવું પડશે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સુશીલ કુમાર માટે મોટો ઝટકો છે અને આગામી દિવસોમાં તેઓનું આત્મસમર્પણ ચર્ચાનો વિષય બની શકે છે.