પશુ પક્ષી પ્રેમીઓને અસર કરે તેવા સુપ્રીમ કોર્ટના બે આદેશો આ સોમવારે આવ્યા. પ્રથમ આદેશમાં મુંબઇ શહેરમાં આવેલા કબૂતરખાનાઓમાં કબૂતરોને ચણવા માટે ખોરાક નાખતા લોકો સામે ગુનો દાખલ કરવાનો બૃહદ મુંબઇ મહાનગરપાલિકા(બીએમસી)ને આદેશ આપતા બોમ્બે હાઇકોર્ટના આદેશમાં દખલગીરી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. જ્યારે બીજો આદેશ દિલ્હી અને તેની આજુબાજુના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી રખડતા તમામ કૂતરાઓને પકડીને ડોગ શેલ્ટરોમાં મૂકી દેવાનો છે.
મુંબઇની વાત કરીએ તો ત્યાં છેલ્લા કેટલાક સમયથી મુંબઇ મહાનગરપાલિકાએ કબૂતરખાનાઓ તોડી પાડવાનું કામ શરૂ કર્યું હતુ઼ં. કબૂતરોના મોટા ટોળાઓને કારણે નજીકમાં રહેતા લોકોને ફેફસાના કે શ્વસનના ગંભીર રોગો થવાનો ભય હોવાના તબીબી અભિપ્રાય પછી આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આની સામે કેટલાક લોકો હાઇકોર્ટમાં ગયા હતા પરંતુ બોમ્બે હાઇકોર્ટે પણ મુંબઇ પાલિકાની તરફેણ કરતા તેઓ સુપ્રીમમાં ગયા હતા. સુપ્રીમની બેન્ચે હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આદેશની સુધારણા માટે તે હાઇકોર્ટ સમક્ષ જઇ શકે છે.
બોમ્બે હાઇકોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે મોટા પ્રમાણમાં કબૂતરોને કારણે તમામ ભયના લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાનો ભય રહે છે. આ અદાલતે જૂના સ્થાપત્યના વારસા સમાન કબૂતરખાનાઓ તોડી પાડવાથી બીએમસીને અટકાવી હતી પણ તે સાથે જ તેમાં પક્ષીઓને ચણ નાખવાની પણ મનાઇ ફરમાવી હતી. મુંબઇ મહાનગરપાલિકા કહે છે કે કબૂતરોના ટોળાઓને કારણે લોકોના આરોગ્યને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને તેણે આ પગલા ભર્યા છે. દિલ્હીના કેસમાં જોઇએ તો ત્યાં રખડતા કૂતરાઓએ બચકા ભર્યા હોય તેવા અનેક બનાવો બનવા માંડ્યા હતા અને આની સુઓ મોટો નોંધ લઇને સુપ્રીમ કોર્ટે તમામ રખડતા કૂતરાઓને પકડીને આશ્રયસ્થાનોમાં પૂરવાનો આદેશ આપ્યો છે.
મુંબઇ અને દિલ્હીને લગતા આ આદેશો સામે મિશ્ર પ્રતિભાવો આવ્યા છે. મુંબઇમાં જૈન મુની નિલેશચંદ્ર વિજયે દાદર કબુતરખાના બંધ કરવાના નિર્ણય સામે ૧૩ ઓગસ્ટથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ શરૂ કરવાની ચેતવણી આપી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે જો નિર્ણય તેમની ધાર્મિક પ્રથાઓ વિરુદ્ધ જશે તો જૈન સમુદાય કોર્ટના આદેશોનું પાલન કરશે નહીં. દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી જુદા જુદા પ્રતિભાવ આવ્યા છે જેમાં કેટલાક જન કલ્યાણ મંડળોએ આ આદેશને આવકાર્યો છે જ્યારે પશુ અધિકારવાદીઓએ આ આદેશને ખેદજનક ગણાવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટના આદેશના અમલ માટે વ્યવસ્થા ગોઠવીશું. પશુ ચળવળકારોને પશુ પ્રેમીઓ અને કૂતરાઓને ખવડાવનારાઓ તરફથી ઘણા ગભરાટભર્યા ફોન કોલ પણ આવ્યા હોવાના અહેવાલ છે અને પશુ ચળવળકારોએ સંકેત આપ્યો છે કે આ આદેશને પડકારવામાં આવશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રાણી અધિકારવાદી મેનકા ગાંધીએ પણ આ આદેશને બિનવ્યવહારુ અને આ પ્રદેશની પર્યાવરણીય સમતુલા માટે નુકસાનકારક ગણાવ્યો છે.
પશુઓના અધિકારો માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા પેટાએ પણ આ આદેશને વખોડ્યો છે. પેટા ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે શેરીના લોકો કૂતરાઓને પોતાના કુટુંબના સભ્યો જેવા ગણે છે અને આ આદેશથી તેમનામાં ડર છે. કબૂતર, કૂતરા જેવા પશુ પક્ષીઓ આપણા આજુબાજુ જ વસે છે. આપણા ભારતીય સમાજમાં આ પશુ પક્ષીઓ કુટુંબના ભાગ જેવા બની ગયા છે. કબૂતર એ મોટે ભાગે શહેરી વિસ્તારો વધુ પસંદ કરે છે. આ પશુઓ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ ધરાવનારાઓ તેમને ખવડાવે કે ચણ આપે તે બરાબર છે પરંતુ તેમની વધુ પડતી વસ્તી, ઝુંડના ઝુંડ થઇ જાય તે સમસ્યા સર્જે છે. આથી વ્યાપક ચર્ચા વિચારણા દ્વારા આનો કોઇ વ્યવહારુ ઉકેલ લાવવો જોઇએ.