Kalol

વેજલપુરમાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તપાસની માગણી

કાલોલ: વેજલપુર મનરેગાના રૂ 95 લાખના 25 કામોમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કાલોલ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તપાસની માગ કરતુ આવેદન આપવામાં આવ્યું હતું.ન
કાલોલ તાલુકા પંચાયતની વેજલપુર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા સલીમ મહંમદ કાઠીયા દ્વારા આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી આવેદન પત્ર આપી પુરાવા સાથે જણાવાયું છે કે વેજલપુર વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત કુલ ૨૫ કામો માં કોન્ટ્રાકટર તેમજ મનરેગા યોજનાના અમલી અધિકારીઓ, ગ્રામ સેવક, ભેગા મળીને ગેરરીતી કરી સામૂહિક કૌભાંડ આચર્યું છે. કુલ 25 કામ ના 76.49 લાખ રૂપિયા ચૂકવાયા છે તથા મજૂરી પેટે રૂ 18.77 લાખ ચૂકવાયા છે. જેમા ઘણી વિસંગતતા જોવા મળે છે. મદની સોસાયટીમાં બ્લોકનું કોઈ પણ કામ કર્યા વિના લાગતા વળગતા જોબ કાર્ડ ધારકોના ખાતામાં પૈસા જમા કરાવી દીધા છે અને સામગ્રીના નાણાં માલ સપ્લાય કરનાર એજન્સીના ખાતે ચૂકવી દેવામાં આવ્યા છે. રોહિતવાસ ખરસાલિયામાં એસ્ટિમેટ મુજબની કામગીરી કરી નથી, હાઇવેથી મહાદેવના મંદિર તરફ નદી તરફના રસ્તા ઉપર ચાર ભાગમાં સીસી રોડનું કામ મંજૂર થયું હતું. તે સીસી રોડ મનરેગા યોજનાના એસ્ટીમેટ મુજબ કરેલા નથી. તેમજ હલકા પ્રકારનું મટીરીયલ વાપર્યું છે. બે ભાગમાં સીસી રોડ કર્યો છે અને ચાર ભાગની સામગ્રીના પૈસા મટીરીયલ સપ્લાય કરનાર એજન્સીના ખાતામાં રૂપિયા પડી ગયા છે. ભ્રષ્ટાચારને કારણે વૈજનાથ મંદિરના દર્શન કરવા જતા દર્શનાર્થીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે એસ્ટીમેટ મુજબનું કામ કરવામાં આવ્યું નથી જેમાં માપ ખોટું બતાવ્યું છે અને ખાનગી મજૂરોથી અને મશીનરીથી કામ કરાવી લાગતા વળગતા મળતીયાનાં ખાતામાં પૈસા જમા કરાવી મસ્ટરો ભરી મોટું કૌભાંડ કર્યું છે. સમગ્ર બાબતે મનરેગા યોજનાની ગાઈડલાઈન અને વહીવટી મંજૂરી મુજબ સરકારશ્રીના માપતાલ મુજબ કામો થયા છે કે કેમ તેની ચકાસણી અરજદાર અને પંચોની રૂબરૂ વિડીયોગ્રાફી કરી તપાસ કરવાની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે.

Most Popular

To Top