આશરે 50 હજાર લોકો અને 50 થી વધુ સંસ્થાઓના બાળકો જોડાશે :
ઐતિહાસિક ઈમારતો પર તિરંગાની લાઇટિંગ કરી રોશનીથી શુશોભીત કરવામાં આવશે
( પ્રતિનિધી )વડોદરા,તા.10
વડોદરા શહેરમાં આયોજિત તિરંગા યાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓ સહિત લોકો જોડાશે. ત્યારે, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાન ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે. શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4:00 વાગ્યે તિરંગા યાત્રા શરૂ થશે. જે કીર્તિસ્થંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર, સુરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે. સ્વેચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે.

યાત્રામાં જોડાનાર લોકોને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રમાં ઠેર ઠેર લાઉડસ્પીકર અને સ્ટેજ બનવાં આવશે આ તિરંગા યાત્રામાં પચાસ હજાર લોકો ભાગ લેનાર છે, સાથે 50 થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનાર છે. ઉપરાંત વડોદરા શહેરની ઇમારતોને પણ તિરંગારૂપી લાઇટિંગ કરવામાં આવશે. વડોદરાની તમામ ઐતિહાસિક ઈમારતો પર તિરંગાની લાઇટિંગ કરી રોશનીથી શુશોભીત કરવામાં આવશે. જેને લઈ વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે.