Sports

ગામના યુવકને વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના અચાનક કોલ, પાછળનું કારણ જાણીને સૌ ચકિત

છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લામાં આવેલી દેવભોગ પોલીસ સ્ટેશન વિસ્તારના મડાગાંવમાં રહેનારા 21 વર્ષીય મનીષ બીસી અચાનક જ ચર્ચાનો વિષય બની ગયા છે. કારણ કે, તેમના ફોન પર વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોના કોલ આવવા લાગ્યા હતા. શરૂઆતમાં મનીષને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે, પરંતુ થોડા દિવસોમાં ખબર પડી કે આ કોલ્સ સાચા છે.

આ ઘટના 28 જૂનની છે, જ્યારે મનીષે નવું જિયો સિમ કાર્ડ ખરીદ્યું હતું. આ નંબર પહેલા ભારતીય ક્રિકેટર રજત પાટીદારના નામે નોંધાયેલો હતો. ટેલિકોમ કંપનીના નિયમ મુજબ, કોઈ નંબર 90 દિવસથી વધુ સમય સુધી ઉપયોગમાં ન હોય તો તે બીજા ગ્રાહકને ફાળવવામાં આવે છે. તેમ જ, આ નંબર મનીષને મળ્યો હતો. સિમ એક્ટિવેટ થતા જ, વોટ્સએપ પર આપમેળે રજત પાટીદારનો ડીપી દેખાયો, પરંતુ મનીષે તેની પર ખાસ ધ્યાન ન આપ્યું.

થોડા દિવસો બાદ, મનીષને અજાણ્યા નંબર પરથી કોલ આવવા લાગ્યા હતા. કેટલાક કોલ્સમાં ક્રિકેટ જગતના જાણીતા નામો હતા જેમકે, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ સહિતના ખેલાડીઓ હતા. શરૂઆતમાં, મનીષે હસતાં હસતાં વિચાર્યું કે આ કોઈ મજાક છે, પરંતુ વારંવાર આવી રહેલા કોલ્સે તેને શંકા પેદા કરી. વાત ત્યારે વધુ રસપ્રદ બની ગઈ જ્યારે કેટલાક કોલ્સમાં સામેવાળા વ્યક્તિઓ ખરેખર તે જ ખેલાડીઓ હોવાનું બહાર આવ્યું.

આ બધા પછી, આશ્ચર્ય એ દિવસે થયું જ્યારે તા.15 જુલાઈએ મનીષને સીધો કોલ આવ્યો અને સામેના વ્યક્તિએ પોતાનું નામ રજત પાટીદાર કહીને સિમ પરત કરવાની વિનંતી કરી હતી. મનીષે શરૂઆતમાં આ વાત પર વિશ્વાસ કર્યો નહીં અને તેને પણ મજાક માન્યો. પરંતુ થોડા સમય પછી, ગારિયાબંધ પોલીસ અને એમપી સાયબર સેલની ટીમ ગામે આવી પહોંચી હતી. ત્યારે મનીષને સમજાયું કે મામલો ગંભીર છે.

માહિતી મુજબ, રજત પાટીદાર માટે આ નંબર ખૂબ મહત્વનો હતો, કેમ કે તે તેના ઘણા ક્રિકેટર મિત્રો અને વ્યક્તિગત સંપર્કોમાં ઉપયોગમાં લેવાતો હતો. સાયબર સેલની મદદથી, અંતે આ નંબર મનીષ પાસેથી પાછો લેવામાં આવ્યો.

આ ઘટના ગામમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એક સામાન્ય ગામનો યુવક, અચાનક જ ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર્સ સાથે વાતચીત કરવા લાગ્યો હતો. મનીષ માટે આ અનુભવ અનોખો હતો, પરંતુ તે હવે મજાક અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સારી રીતે સમજી ગયો છે.

Most Popular

To Top