અટલાદરામાં બિલ્ડર દ્વારા ડ્રેનેજનું ગંદું પાણી રસ્તા પર છોડાતા વિસ્તાર નર્કાગાર જેવી સ્થિતિમાં
સામાન્ય વેપારીઓને કડક દંડ, પરંતુ બિલ્ડરોને છૂટછાટ?
દુર્ગંધ અને અકસ્માતના ખતરે લોકો કંટાળ્યા, પાલિકાની સખત કાર્યવાહીની માંગ
વડોદરા: વડોદરાના અટલાદરા વિસ્તારમાં બિલ કેનાલ રોડ પાસે ‘સમન્વય સ્ટેટસ’ નામના બાંધકામ સાઇટ પરથી રોડ પર સીધું ડ્રેનેજનું ગંદુ પાણી છોડવામાં આવતું હોવાને કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ ગઈ છે. આ ગંદા પાણીના કારણે રસ્તો ચીકણો બની ગયો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને લપસી જવાની તથા અકસ્માત થવાની ભીતિ છે.

સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ જણાવે છે કે આ સમસ્યા ઘણીવાર પાલિકાના અધિકારીઓને બતાવ્યા છતાં બિલ્ડર સામે ફક્ત નોટિસ આપી ઢીલી કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય વેપારીઓ થોડી પણ ગંદકી ફેલાવતા હોય ત્યારે જ ભારે દંડ કરવામાં આવે છે, પરંતુ પ્રભાવશાળી બિલ્ડરોને એવા કડક પગલાંમાંથી છૂટછાટ આપવામાં આવે છે એવી લોકોમાં ચર્ચા જાગી છે.

રહેવાસીઓનો આક્ષેપ છે કે પાલિકાની આ બેવડી નીતિને કારણે ન્યાય મળતો નથી અને શહેરની સ્વચ્છતા પર પણ અસર પડે છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની ગંદકી ફેલાવતી સાઇટો સામે તરત જ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી જાહેર માર્ગો ફરી સ્વચ્છ અને સલામત બનશે.
