જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કુલગામ જિલ્લામાં છેલ્લા નવ દિવસથી આતંકવાદીઓને પકડી પાડવા માટે સુરક્ષા દળોનું વિશાળ ઓપરેશન ચાલુ છે. ગઈકાલે મોડી રાત્રે થયેલા ગોળીબારમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે, જ્યારે ઘણા સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, કુલગામના દુર્ગમ અને જંગલવાળા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા છે. ગઈ રાત્રે ગોળીબાર દરમિયાન ચાર સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી લેફ્ટનન્ટ કર્નલ પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહ શહીદ થયા.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમની હિંમત અને સમર્પણ હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે. સેનાએ શોકગ્રસ્ત પરિવારો સાથે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

આ ઓપરેશન ખીણમાં સૌથી લાંબું ચાલતું એન્કાઉન્ટર બની રહ્યું છે. ઓપરેશનના પ્રથમ દિવસે એક આતંકવાદી માર્યો ગયો હતા અને ચાર સૈનિકો ઘાયલ થયા હતા. પરંતુ વિસ્તારના જટિલ અને ઘન જંગલને કારણે કામગીરી લાંબી ખેંચાઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં કુદરતી ગુફાઓ, પર્વતો અને વિચરતી સમુદાયોના કેમ્પ છે, જેના કારણે સેનાને આગળ વધવામાં મુશ્કેલી પડી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે જંગલમાં ઓછામાં ઓછા આઠ આતંકવાદીઓ છે, જેઓ ત્રણ અલગ-અલગ સ્થળોએ છુપાયેલા છે. આજે સવારે પણ ગોળીબાર ચાલુ રહ્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી દીધો છે અને તબક્કાવાર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
સ્થાનિક લોકો માટે પણ આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે. સતત ચાલતા ગોળીબારને કારણે નજીકના ગામોમાં રહેતા કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
કુલગામનું આ ઓપરેશન માત્ર સુરક્ષા દળો માટે જ નહીં, પરંતુ સમગ્ર ખીણ માટે એક મોટો પડકાર છે. દુર્ગમ વિસ્તારમાં ચાલી રહેલા આ અભિયાનમાં દરેક પગલું સાવચેતીપૂર્વક ભરવું પડે છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓના મજબૂત ઠેકાણા હોવા છતાં, સુરક્ષા દળો સંપૂર્ણ દૃઢતા અને રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં ઓપરેશન પૂર્ણ કરવાની આશા છે.