તિરંગા યાત્રામાં નગરજનોને જોડાવા અનુરોધ
આણંદ.
આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” તેમજ “સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
સ્વાતંત્ર પર્વ ની ઉજવણી અંતર્ગત યોજાનારા કાર્યક્રમોમાં સહભાગી બનવા અનુરોધ કરતા આણંદના પ્રાંત અધિકારી મયુર પરમાર જણાવ્યું હતું કે, આગામી તારીખ 12મી ઓગસ્ટના રોજ બપોર બાદ 4-00 કલાકે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવશે. આ યાત્રા આણંદ ટાઉન હોલ ખાતેથી વિદ્યાનગર રોડ થઈને શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લા કક્ષા યોજાનાર તિરંગા યાત્રા પહેલા 11મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ પણ તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રામાં સહભાગી બનવા અનુરોધ કરી પ્રાંત અધિકારી શ્રી એ પ્રત્યેક લોકોને તેમના ઘર અને વ્યવસાયના સ્થળે તિરંગાની ગરીમા જળવાઈ રહે તે પ્રમાણે તિરંગાને લહેરાવવા અપીલ કરી હતી. તેમણે નગરજનોને harghartiranga.com ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ અપીલ કરી છે.
નોંધનીય છે કે, હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની દરેક પ્રાથમિક શાળા, હાઈસ્કુલ, કોલેજો ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત ગામે ગામ સફાઈ અભિયાન યોજાશે. રંગોળી સ્પર્ધા, રાખી મેકિંગ સ્પર્ધા, દીવાલો ઉપર પેઇન્ટિંગ યોજવામાં આવશે. ખાસ કરીને ધાર્મિક સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધરાશે.
આ તિરંગા યાત્રામાં પોલીસ, એનસીસી, હોમગાર્ડ, ટીઆરબી જવાનો ઉપરાંત સરકારી અધિકારી/ કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીઓ અને નગરજનો જોડાય તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.