કપડવંજના આંબલીયારાથી સાલોડ વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં ઈકો કાર ખાબકતા, ફાયર વિભાગ, પોલીસ તંત્ર દોડ્યું
કપડવંજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નર્મદાની કેનાલમાં આજે ગુરુવારે ઢળતી સાંજે એક ઈકો કાર કેનાલમાં ડુબી હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. જોકે હાલમાં નડિયાદ ફાયરની ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી છે અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલના ઊંડા પાણીમાં શોધખોળ આદરવામાં આવી રહી છે.
કપડવંજ તાલુકા આંબલીયારાથી સાલોડ વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં આજે ગુરુવારે સાંજે 5:30ના અરસામાં પસાર થતી એક કાર અચાનક કેનાલના પાણીમાં ખાબકી હતી. અવાજ આવતા સ્થાનિકો દોડી આવ્યા હતા જોકે જોત જોતામાં આ ઈકો કાર આગળ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. અને ડુબી ગઈ હતી. બનાવને પગલે કપડવંજ ફાયરબ્રિગેડ, નડિયાદ ફાયરબ્રિગેડની ટીમો દોડી આવી હતી. સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ તેમજ ગામના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયરની ટીમ હાલમાં પાણીમાં આ કારની શોધખોળ આદરી રહી છે.108નો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો છે. ઈકો કારમાં કેટલા લોકો સવાર છે તે હજુ વિગતો મળી નથી.