વોર્ડ નંબર 14ના કુબેર ભવન વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી લોકો ગટરના દુર્ગંધથી પરેશાન
અનેક ફરીયાદો બાદ પણ તંત્ર કેમ ઉંઘી રહેલું છે?
વડોદરા::વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 14માં આવેલા કુબેર ભવન નજીકની ગટરો છેલ્લા બે મહિનાથી અવિરત રીતે ઉભરાઈ રહી છે. વારંવાર રજૂઆત છતાં હાલત યથાવત છે. નાગરિકોએ જણાવ્યું છે કે ગઈ વર્ષે પણ આવી જ સ્થિતિ નિર્માણ પામી હતી, પણ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ કરવામાં આવેલો નથી.

સ્થાનિક રહેવાસીઓ અનુસાર, અતિશય દુર્ગંધ, રોડ પર પાણી ઉભરાઈ જવાથી લપસણના બનાવો તેમજ ડ્રેનેજ સિસ્ટમની સતત અરાજકતાથી સમગ્ર વિસ્તાર પરેશાન છે. વાહનચાલકોને લપસી જવાની ભીતિ છે, જ્યારે પાલિકા સ્તરે પણ કોઈ યોગ્ય કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી.
નાગરિકોનો ગુસ્સો એટલો વધ્યો છે કે હાલત અંગે પચીસથી પણ વધુ ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર પર કોઈ અસર જોવા મળતી નથી.

આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીઓ દ્વારા લાખો રૂપિયાના કામો મંજૂર થાય છે, ત્યારે નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે કે આ રૂપિયાનો ઉપયોગ શું માત્ર કાગળ પરનો વિકાસ બતાવવા માટે જ થાય છે?
સ્થાનિકોના આગ્રહ મુજબ કાયમી અને અસરકારક વિકાસની જરૂર છે. આવનારા દિવસોમાં વધુ સમયે આ સમસ્યા યથાવત રહે તો સ્થાનિકો ઝુંબેશ ચલાવવાના પણ મૂડમાં છે.