Comments

માલેગાંવ અને મુંબઈ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટકારાનો ચુકાદો આપણને શું કહે છે?

બે હાઇ-પ્રોફાઇલ આતંકવાદી હુમલાઓના તાજેતરના ચુકાદાઓએ આતંકવાદ સંબંધિત કેસોની તપાસ, પુરાવાઓના સંગ્રહ અને કાયદાકીય માળખામાં ગંભીર ખામીઓને ઉજાગર કરી છે. બંને ચુકાદાઓના પરિણામે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે ન્યાયિક પ્રક્રિયા અને તેનાં પરિણામોની ઊંડી તપાસ કરવાની માંગ કરવામાં આવી. ૨૦૦૬ના મુંબઈ શ્રેણીબદ્ધ ટ્રેન વિસ્ફોટો ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ થયા હતા. તેમાં મુંબઈની પશ્ચિમ લાઇન પર લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ સાત બોમ્બ વિસ્ફોટો થયા હતા, જેમાં ૧૮૭ લોકો મૃત્યુ પામ્યાં હતાં અને ૮૦૦થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. ૨૨ જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 

તેણે ૨૦૧૫માં ખાસ મકોકા કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ઉલટાવી દીધો હતો, જેણે તેમને અગાઉ દોષિત ઠેરવ્યા હતા. તેણે મુંબઈ પોલીસના આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પર પણ મજબૂત આરોપ મૂક્યો હતો. તેમાં ગંભીર પ્રક્રિયાગત અનિયમિતતાઓ અને વિશ્વસનીય પુરાવાના અભાવ તરફ ધ્યાન દોર્યું છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, એટીએસએ ‘કેસ ઉકેલવાનો ખોટો દેખાવ’ કર્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે હાઈ-પ્રોફાઇલ આતંકવાદી કેસોમાં પોલીસની જવાબદારી અને તપાસ પ્રક્રિયાઓની પ્રામાણિકતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટની ટિપ્પણીઓએ યોગ્ય પ્રક્રિયાને જાળવી રાખવામાં અને નિષ્પક્ષ સુનાવણીનાં ધોરણોને સુનિશ્ચિત કરવામાં પ્રણાલીગત નિષ્ફળતા તરફ ધ્યાન દોર્યું. આ કેસમાં આરોપીઓ એટલા માટે છૂટી ગયા કારણ કે એટીએસ મુંબઈ હાઈકોર્ટમાં પોતાનો ગુનો સાબિત કરવામાં નિષ્ફળ ગયા.

અત્રે ઉલ્લેખનીય છે કે, નીચલી અદાલતે આ કેસમાં 12માંથી 5ને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને બાકીનાને આજીવન કેદની સજા ફટકારી હતી. બોમ્બ બનાવવા માટે વપરાતી સામગ્રી, જેહાદી સાહિત્ય વગેરે સહિતના પુરાવાઓની હાજરી હોવા છતાં તપાસ એજન્સીએ મકોકા હેઠળ નોંધાયેલા કબૂલાતનામા પર ખૂબ આધાર રાખ્યો હતો, જે હાઈકોર્ટ દ્વારા અપૂરતા હોવાનું જણાયું હતું. કારણ કે, કોઈ સહાયક પુરાવા નહોતા.આ ઉપરાંત પ્રક્રિયાગત ખામીનો ઉલ્લેખ કરીને તપાસ એજન્સીએ કોલ ડેટા રેકોર્ડર (સીડીઆર) જેવા મહત્ત્વપૂર્ણ પુરાવાનો નાશ કર્યો હતો. જો તેને સાચવવામાં આવ્યા હોત તો એજન્સીઓ વિસ્ફોટોના સ્થળે આરોપીઓની ગતિવિધિ સ્થાપિત કરી શકી હોત.

દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટકારા સામે તાત્કાલિક કાર્યવાહી કરતાં સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાના અમલને ન્યાયિક ઉદાહરણ તરીકે સ્ટે આપ્યો. જો કે, તેણે કહ્યું કે જે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે આત્મસમર્પણ કરવાની જરૂર નથી.માલેગાંવ વિસ્ફોટ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં એક મસ્જિદ પાસે થયો હતો. તેમાં છ લોકોનાં મોત થયાં હતાં અને 100 થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

૩૧ જુલાઈના રોજ મુંબઈની એક ખાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કોર્ટે ઘટનાનાં લગભગ ૧૭ વર્ષ પછી ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં હતાં. એનઆઈએ કોર્ટે જાહેર કર્યું કે, ફરિયાદ પક્ષ ‘વિશ્વસનીય અને મજબૂત’ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો છે. કોર્ટ રમઝાનના છેલ્લા દિવસે અને નવરાત્રિ શરૂ થાય તેના એક પહેલાં થયેલા હુમલાના ઇરાદા અંગે સ્પષ્ટ હતી: ‘’એ સ્પષ્ટ હતું કે કાવતરાખોરોએ લોકોને ભયભીત કરવા, જાનમાલને નુકસાન પહોંચાડવા, સમુદાય માટે જરૂરી પુરવઠા અને સેવાઓમાં વિક્ષેપ પાડવા, સાંપ્રદાયિક વિભાજન કરવા અને રાજ્યની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના ઇરાદાથી બોમ્બવિસ્ફોટ કર્યા હતા.’’

જો કે, સ્પેશ્યલ જજ એ.કે. લાહોટીની અધ્યક્ષતામાં એનઆઈએ કોર્ટે ફરિયાદ પક્ષના કેસમાં ઘણી ગંભીર ખામીઓ પર પ્રકાશ પાડ્યો. તેમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે, ‘’માત્ર શંકા વાસ્તવિક પુરાવાનું સ્થાન લઈ શકતી નથી.’’ કોર્ટે જાહેર કર્યું કે, ‘’આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ કોર્ટ ફક્ત ધારણાના આધારે દોષિત ઠેરવી શકતી નથી.’’ તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, દોષિત ઠેરવવા માટે કાલ્પનિક આરોપોના બદલે નક્કર પુરાવાની જરૂર હોય છે.માલેગાંવ કેસની તપાસ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્વારા શરૂ કરવામાં આવી હતી.

તે સમયે એટીએસ વડા હેમંત કરકરે, જે તપાસનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેઓ આ કેસમાં પહેલી ધરપકડ થયાના થોડા દિવસો પછી 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હતા.સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત અને અન્ય લોકોની ધરપકડ થયા પછી ‘હિન્દુ આતંકવાદ’ વાર્તા ઘડવામાં આવી હતી. સાધ્વી પ્રજ્ઞાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ વડા મોહન ભાગવત અને અન્ય લોકોનું નામ લેવા માટે તેમને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે, લશ્કરી ગુપ્તચર એજન્સીમાં ફરજ બજાવતા કર્નલ પુરોહિતને પણ કબૂલાત કરવા માટે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

2011માં એનઆઈએએ કેસ સંભાળ્યો અને એટીએસ તપાસની ટીકા કરી. જો કે, તે તે જ દિશામાં આગળ વધી રહી હતી. 2016માં તેણે મકોકા આરોપો હટાવી દીધા અને દલીલ કરી કે, એટીએસએ કડક આતંકવાદ વિરોધી કાયદો લાગુ કરવામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી. અન્ય છટકબારી અને ભૂલો પણ હતી – ઉદાહરણ તરીકે, કોર્ટના રેકોર્ડમાંથી 13 સાક્ષીઓનાં નિવેદનો ગુમ થઈ ગયાં હતાં.

તત્કાલીન સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર રોહિણી સાલિયાને જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે, એનઆઈએએ તેમને આરોપીઓ પ્રત્યે ‘નરમ રહેવા’ કહેવામાં આવ્યું હતું. તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું. લગભગ બે દાયકાની કાનૂની લડાઈ નિષ્ફળ ગઈ. પીડિતોનાં પરિવારો ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. બંને કેસમાં ફરિયાદ પક્ષ આખરે આરોપીઓના દોષને ‘ઉચિત શંકાથી પર’ સાબિત કરવામાં નિષ્ફળ ગયો. ચુકાદાઓએ તપાસ પ્રક્રિયાઓમાં નોંધપાત્ર ખામીઓ તરફ ધ્યાન દોર્યું. ઉપરાંત બંને કિસ્સાઓમાં આરોપીઓએ આખરે નિર્દોષ છૂટ્યા પહેલાં નોંધપાત્ર સમય જેલમાં (અનુક્રમે 17 અને 19 વર્ષ) વિતાવ્યો હતો.

એમ કહી શકાય છે કે, ન્યાયતંત્ર ઉચ્ચ કાનૂની ધોરણોને જાળવી રાખવા માંગતું હતું. તેણે શંકા અથવા ખામીયુક્ત તપાસના આધારે દોષિત ઠેરવવાનો ઇનકાર કર્યો હતો.નિર્દોષ છૂટકારો દર્શાવે છે કે, ન્યાયની પ્રાપ્તિમાં આપણને મજબૂત તપાસ પદ્ધતિઓ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા પુરાવાઓની શા માટે જરૂર છે. જેમ કે, એનઆઈએએ એ કહ્યું નથી કે તે નિર્દોષ છૂટકારા સામે અપીલ કરશે. એટલે માલેગાંવ વિસ્ફોટ સંબંધિત કેસોનો હજી સુધી કોઈ અંત આવ્યો નથી, તેવી જ રીતે, 2007ના સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટો, જેમાં 68 લોકો માર્યા ગયાં હતાં, 2007ના હૈદરાબાદ મક્કા મસ્જિદ વિસ્ફોટો, જેમાં નવ લોકો માર્યા ગયાં હતાં અને 2007ના અજમેર દરગાહ શરીફ વિસ્ફોટો, જેમાં ત્રણ લોકો માર્યા ગયાં હતાં, તે અંગે પણ કોઈ અંતિમ ન્યાયિક નિર્ણય થયો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top