અમેરિકાના ઉત્તરી એરિઝોનામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થતા ચાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ચિનલે એરપોર્ટ નજીક બની, જે ફ્લેગસ્ટાફથી લગભગ 200 માઇલ (321 કિમી) ઉત્તરપૂર્વમાં આવેલ છે. ક્રેશ થયેલું બીકક્રાફ્ટ 300 વિમાન ન્યૂ મેક્સિકોના અલ્બુકર્ક સ્થિત CSI એવિએશન કંપનીનું હતું. પ્લેનમાં સવાર લોકો મેડિકલ સ્ટાફ હતા, જે એક દર્દીને લેવા હોસ્પિટલ જઈ રહ્યા હતા.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું અને ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ. ક્રેશનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને FAA દ્વારા અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
નાવાજો ટ્રાઇબના ચેરમેન બૂ નાયગ્રેએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ એવા લોકો હતા જેમણે બીજાઓને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ નુકસાન ખૂબ જ અનુભવાય છે.” જિલ્લા પોલીસ કમાન્ડર એમ્મેટ યાઝીએ જણાવ્યું કે તેઓ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કમનસીબે કંઈક ખોટું થયું.
આ વર્ષે અમેરિકામાં મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન અકસ્માતની આ બીજી મોટી ઘટના છે. જાન્યુઆરીમાં ફિલાડેલ્ફિયામાં થયેલા એક અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. ત્યારબાદ તાજેતરમાં ઉત્તર કેરોલિનામાં ઓક આઇલેન્ડ નજીક એક વિમાન સમુદ્રમાં ક્રેશ થયું હતું.
એરિઝોનાની આ ઘટના મેડિકલ એવિએશન સલામતી અંગે ફરી એકવાર ચિંતાનો વિષય બની છે, ખાસ કરીને ત્યારે જ્યારે આવા વિમાનોમાં જિંદગીઓ બચાવવાના મિશનમાં જોડાયેલા લોકો મુસાફરી કરે છે.