ફાયર કૌભાંડમાં સસ્પેન્ડેડ અધિકારીઓના સ્થાને મહાપાલિકામાં નવા અધિકારીઓને ચાર્જ સોંપાયા
આરોગ્ય અમલદાર તરીકે અધિક આરોગ્ય અમલદાર ડૉ મુકેશ વૈધને ચાર્જ સોંપાયો
વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારના કૌભાંડ બાદ ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે. આ પગલાંના પગલે હવે મહાનગરપાલિકા દ્વારા વિભાગોમાં ચાર્જ નવા અધિકારીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગના ચીફ ઓફીસર (ફાયર) પદે ડિવિઝનલ ઓફિસર (ફાયર) તરીકે ફરજ બજાવતા હરેન્દ્રસિંહ કે. ચૌહાણને ચીફ ઓફીસર (ફાયર) તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓને નિયમ મુજબ મળતા ચાર્જ એલાઉન્સ અને અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવશે. આજ રીતે ડે. ચીફ ઓફીસર (ફાયર) પદે પણ વહીવટી અનુકૂળતા માટે ચાર્જ બદલાયો છે. સ્ટેશન ઓફિસર (ફાયર) તરીકે ફરજ બજાવતા અમિતકુમાર જે. ચૌધરીને હાલની ફરજ ઉપરાંત ડે. ચીફ ઓફીસર (ફાયર) તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમને પણ યોગ્ય ચાર્જ એલાઉન્સ અને ભથ્થાઓ મળશે. આ ઉપરાંત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં પણ બદલાવ કરાયો છે. મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ દેવેશ પટેલના હસ્તકના ખાતાઓનો ચાર્જ હવે ડૉ. મુકેશ એ. વૈદ્ય, જે હાલમાં અધિક આરોગ્ય અમલદાર તરીકે ફરજ બજાવે છે, તેઓને આઇ.સી.ડી.એસ. સિવાયના તમામ આરોગ્ય ખાતાઓનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે આઇ.સી.ડી.એસ. વિભાગનો ચાર્જ અંબિકાબેન વી. જયસ્વાલ, હાલમાં આઇ.સી.ડી.એસ.ના હ. પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેમને સોંપવામાં આવ્યો છે. બંને અધિકારીઓ હાલની ફરજો સાથે આ નવી જવાબદારી પણ સંભાળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર બાદ સસ્પેન્ડ થયેલા આરોગ્ય અમલદાર ડૉ દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડે ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટની ખાલી જગ્યાઓએ પાલિકાએ આ ચાર્જ અલગ અલગ અધિકારીઓને સોંપ્યા છે.