રક્ષાબંધન પહેલાં પથારાવાળાઓને હટાવવાના નિર્ણય સામે વેપારીઓનો વિરોધ, કોંગ્રેસે કલેક્ટરને કરી રજૂઆત
દાહોદ તા.૦૫
દાહોદના સ્ટેશન રોડ પર વાસફોડિયા સોસાયટી નજીક આવેલા કોમન પ્લોટમાં આઠમના મેળાને લઈને મેદાન ખાલી કરાવવાના નગરપાલિકાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓમાં રોષ ફેલાયો છે. નગરપાલિકાએ ભાડું ચૂકવીને પથારા માંડી વેપાર કરતા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને તાત્કાલિક જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

આ વિવાદને પગલે દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદની આગેવાનીમાં વેપારીઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને આ વેપારીઓએ સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લઈને માલસામાનની ખરીદી કરી હતી.
નગરપાલિકાના અચાનક આદેશથી તેમના રોજગાર પર સંકટ આવી ગયું છે. વેપારીઓનું કહેવું છે કે તહેવારોના આ મહત્ત્વના સમયે તેમની આજીવિકા છીનવાઈ જવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદે આ ગરીબ વેપારીઓની વ્યથા સમજીને તેમની સાથે ઊભા રહેવાનું વચન આપ્યું છે. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે આ વેપારીઓને તેમની કાળવેલી જગ્યા પર વેપાર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે.
આસિફ સૈયદે જણાવ્યું, “અમે આ ગરીબ વેપારીઓની સાથે છીએ. નગરપાલિકાના આ નિર્ણયથી તેમની આજીવિકા પર સીધી અસર પડી છે. જો વેપારીઓને ન્યાય નહીં મળે, તો કોંગ્રેસ પાર્ટી નગરપાલિકાના આ નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરશે.”
બીજી તરફ, દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દિપસિંહ હઠીલાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું, “આ જગ્યા પર દર વર્ષે આઠમનો મેળો ભરાય છે. તેના માટે આ મેદાન દર વર્ષે ખાલી કરાવવામાં આવે છે. મેળો પૂર્ણ થયા બાદ, આ વેપારીઓને આ જગ્યા ફરીથી ફાળવવામાં આવશે.”
આ નિવેદન છતાં વેપારીઓનો રોષ યથાવત્ છે. તહેવારોના આ મહત્ત્વના સમયે તેમના વેપારમાં વિક્ષેપ આવવાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે. હવે દાહોદ નગરપાલિકા આ વેપારીઓને તેમની જગ્યાએ વેપાર ચાલુ રાખવાની મંજૂરી આપે છે કે નહીં, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.