Editorial

પાકિસ્તાન અને બાંગ્લાદેશના હવાઇ દળો વચ્ચે સહકાર: ભારતે ખૂબ સાવધ રહેવું પડશે

દાયકાઓથી બાંગ્લાદેશ ભારતનો એક મિત્ર દેશ રહ્યો છે. પરંતુ હાલ કેટલાક સમયથી અમુક કારણોસર બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધો વણસ્યા છે. શેખ હસીનાને બાંગ્લાદેશના વડાપ્રધાનપદેથી ઉથલાવાયા અને ભારતે તેમને આશરો આપ્યો ત્યારથી બંને દેશોના સંબંધોમાં કંઇક કડવાશભર્યો માહોલ છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર ખુલ્લેઆમ ભારત વિરોધી વર્તન કરતી તો નથી પરંતુ સરકારમાંના કે સરકાર સાથે સંબંધ ધરાવતા કેટલાક લોકોની માનસિકતા ભારત વિરોધી હોઇ શકે છે તેમ જણાઇ આવે છે.

ત્યાંની પ્રજાના તો એક મોટા વર્ગમાં હાડોહાડ ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી લાગણી વિકસી છે. આવા સંજોગોમાં એક ચોંકાવનારા અહેવાલ એવા આવ્યા છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હવાઇ દળો એકબીજા સાથે સહકાર સાધી રહ્યા છે. આ સહકારનું લક્ષ્ય ભારત હોવાની શક્યતા પુરેપુરી છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ 15 એપ્રિલથી 19 એપ્રિલ, 2025 દરમિયાન પાકિસ્તાન વાયુસેના (PAF) અને બાંગ્લાદેશ વાયુસેના (BAF) વચ્ચે યોજાયેલી ગુપ્ત લશ્કરી બેઠકોનો ઘટસ્ફોટ કર્યો છે. આ ઘટસ્ફોટ એક ઉચ્ચ-સ્તરીય  ગુપ્તચર લીક દ્વારા થયો છે, જેમાં બંને દેશો વચ્ચે ઝડપથી વધી રહેલા લશ્કરી સહયોગનો ખુલાસો થયો છે, જે ભારતના સરકારના કેન્દ્ર સાઉથ બ્લોકમાં ચિંતાનો વિષય બની ગયો છે.

એક હાઇ-લેવલ ઇન્ટેલિજન્સ લીકમાંથી માહિતીઓ બહાર આવી છે અને તે ચોંકાવનારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના વડા અને બાંગ્લાદેશ સશસ્ત્ર દળોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની વાતચીતમાં ડ્રોન યુદ્ધ, વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર, અવકાશ કામગીરી, સાયબર યુદ્ધ જેવા મુદ્દાઓનો  સમાવેશ થતો હતા. રાજકીય વ્યુહરચનાઓની પણ ચર્ચા થઇ હોવાનું માનવામાં આવે છે. એક મીડિયા ગૃહના કહેવા અનુસાર, આ ચર્ચાઓનું મુખ્ય ધ્યાન મોડ્યુલર અને અનમેન્ડ મિશન ટ્રેનર (MUMT-UMT)ના સંયુક્ત વિકાસ પર હતું, જે ડ્રોન અને સ્વાયત્ત હવાઈ લડાઇ પ્રણાલીઓ માટે મહત્વપૂર્ણ છે.  ચીનની મદદથી ડ્રોન યુદ્ધ કૌશલ્યમાં નિપુણતા મેળવનાર પાકિસ્તાન આ ટેકનોલોજી બાંગ્લાદેશને ટ્રાન્સફર કરી રહ્યું છે.

આ ઉપરાંત, બંને પક્ષો ટેક્ટિકલ એર ડેટા લિંક સિસ્ટમને એકીકૃત કરવા પણ વિચારી રહ્યા છે, જે જમીનથી આકાશમાં અને  આકાશથી આકાશ કામગીરી માટે સમય-નિર્ધારિત, એન્ક્રિપ્ટેડ સંચાર ચેનલ છે. આ ટેકનોલોજી બાંગ્લાદેશ વાયુસેનાની સંકલન ક્ષમતાઓ અને હુમલાના સંકલનને વધારવામાં મદદ કરશે, જે ભારતના પૂર્વીય વાયુ કમાન્ડ માટે ચિંતાનો વિષય છે.  ગુપ્તચર દસ્તાવેજો એ પણ સૂચવે છે કે બંને દેશો અવકાશ સહયોગના ક્ષેત્રમાં કેટલીક પ્રારંભિક વાટાઘાટો કરી રહ્યા છે, જેમાં સેટેલાઇટ-આધારિત સર્વેલન્સ અને રિકોનિસન્સ ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

આ ક્ષેત્રમાં ચીનના પીપલ્સ લિબરેશન આર્મી જેવા  સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ જેવા તૃતીય-પક્ષ સલાહકારો સામેલ થવાની સંભાવના છે. પાકિસ્તાને માલવેર પ્રતિરોધક પ્રોટોકોલ અને આક્રમક સાયબર તાલીમનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. સૌથી ચિંતાજનક રાજકીય ઘટસ્ફોટ એ છે કે આ બેઠકોમાં  બાંગ્લાદેશના પ્રમુખ શહાબુદ્દીનને હટાવવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાનના સંરક્ષણ એટેચી અને નિવૃત્ત આઈએસઆઈ એજન્ટો શહાબુદ્દીનને સ્થાને લશ્કરના વધુ સમર્થક વ્યક્તિને મૂકવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત, બાંગ્લાદેશની ખાસ ફર્સ્ટ ફૂટ કમાન્ડો બટાલિયનને અમેરિકી સરકાર તરફથી આતંકવાદ વિરોધી સહાય તરીકે છૂપાયેલા ખાસ શસ્ત્રો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

આ શસ્ત્રો આમ તો આતંકવાદ વિરોધી કામગીરી માટે મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ  તેમની વાસ્તવિક ભૂમિકા વિશેષ દળોને તાલીમ આપવાની અને સંભવિત સરહદ પાર હુમલા ક્ષમતાઓને વધારવાની રહી છે એમ કહેવાય છે.  નિવૃત્ત ભારતીય સૈન્ય અધિકારીઓ આને પાકિસ્તાન દ્વારા સંચાલિત પશ્ચિમી સહાયના ગેરમાર્ગે કરવામાં આવતા વ્યૂહાત્મક ઉપયોગ તરીકે જુએ છે. આમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના લશ્કરી સંબંધો એક નવા, ગુપ્ત અને વ્યૂહાત્મક તબક્કામાં પ્રવેશ્યા છે જેમાં ડ્રોન ટેકનોલોજી, ડિજિટલ યુદ્ધ અને રાજકીય કાવતરાઓનો સમાવેશ થાય છે. ભારતે માત્ર સતર્ક રહેવું જ નહીં, પણ તેની  પૂર્વીય રાજદ્વારી અને સંરક્ષણ વ્યૂહરચના પર પણ પુનર્વિચાર કરવો જોઈએ.

પહેલગામ હુમલા પછી જ્યારે ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તેવા સંકેતો હતા ત્યારે બાંગ્લાદેશની કેન્દ્ર સરકારના એક ભૂતપૂર્વ વરિષ્ઠ સલાહકારે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો બાંગ્લાદેશે ચીન સાથે સહકાર કરીને ઇશાન ભારતના રાજ્યો પર કબજો જમાવવા માટે આગળ વધવું જોઇએ! આ દર્શાવે છે કે બાંગ્લાદેશમાં ભારત વિરોધી લાગણી કેટલી હદે વકરી છે. જો કે બાંગ્લાદેશની યુનુસ સરકારે આ નિવેદનને નકારી કાઢીને આવા નિવેદનોથી દૂર રહેવા જાહેર ક્ષેત્રના લોકોને સૂચના આપી. પરંતુ આ બધી હિલચાલો જોઇને ભારતે ખૂબ સાવધ રહેવાની જરૂર છે.

Most Popular

To Top