Vadodara

વડોદરા : માંડવી વિસ્તારમાં ચોરી કરવા ઘુસેલા બે તસ્કરોને સ્થાનિક લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો

સિટી પોલીસે દોડી આવી બંને ચોરને ઝડપી પાડ્યા, લોકોએ પણ ભારે હોબાળો મચાવ્યો


વડોદરા તા.4
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાની પાછળ બંધ મકાનમાં બે તસ્કર ચોરી કરવા માટે ઘુસ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોએ ઘરમાં ઘુસેલા બંને ચોરને ઝડપી પાડ્યા હતા અને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો. ચોર પકડાયો હોવાની જાણ થતા સિટી પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી અને બંને ચોરને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

વડોદરા શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા માંડવી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાની પાછળ રહેતો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન બે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનનુ તાળુ તોડીને બે ચોર ઘરમાં ઘૂસ્યા હતા. જેની જાણ સ્થાનિક લોકોને થતા પોળના લોકો ભેગા થઈ ગયા હતા અને બંને ચોરને ઝડપી પાડ્યા બાદ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જોકે ચોર પકડાયા હોવાની જાણ સિટી પોલીસને થતા તુરંત પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બંને ચોરને ઝડપી પાડ્યા બાદ તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ પોલીસ પેટ્રોલિંગમાં આવતી નથી તેવા આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. ઉપરાંત જો તમે ચોરને માર મારશો તો તમારા સામે ગુનો દાખલ કરીશું તેવા પણ આરોપ સ્થાનિકોએ લગાવ્યા હતા. ભેગા થઈ ગયેલા લોકોએ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. આખરે પોલીસે બંને ચોરને પોલીસ વાનમાં બેસાડી તેમને સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.

Most Popular

To Top