સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા.3 અને 4 ઓગસ્ટે તાપી એસોસિએશન દ્વારા તાપી ટ્રાવેલ એક્સપો-2025 નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયના વિસ્તરણ સાથે યુવાઓને રોજગારની તક અને મહિલાઓને સશક્ત બનાવવાનો છે.
તાપી એસોસિએશનના પ્રમુખ વિનેશ શાહે જણાવ્યું કે, “આ એક્સપો માત્ર ઉદ્યોગ માટેનો પ્લેટફોર્મ નથી, પરંતુ યુવાઓ અને મહિલાઓના કારકિર્દી વિકાસ માટે એક મોટું અવસર છે. અમે ટ્રાવેલ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં સર્ટિફાઇડ કોર્સ શરૂ કરીશું. જેમાં તાલીમ સાથે પેઈડ ઈન્ટરનશીપની પણ તક મળશે.”
આ એક્સપોમાં 170થી વધુ સ્ટોલ હશે જેમાં દેશ-વિદેશની ટૂરિઝમ કંપનીઓ અને ટ્રાવેલ એજન્સીઓ ભાગ લેશે. B2C મોડલ પર આધારીત આ એક્સપોમાં પ્રવાસીઓ માટે વિશેષ ઓફરો અને માહિતી મળશે. વિવિધ ટ્રાવેલ ડેસ્ટિનેશન, પેકેજ ટૂર્સ, હોટેલ બુકિંગ્સ અને વિઝા સેવાઓ સહિતની વિગતો મુલાકાતીઓને ઉપલબ્ધ થશે.
વિદ્યાર્થીઓ માટે “થિમ આધારિત એક્સપો” રાખવામાં આવી છે, જેમાં કોર્સ, સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારી માટે માર્ગદર્શન મળશે. આ એક્સપો દ્વારા 500થી વધુ મહિલાઓને ઉદ્યોગ સાથે જોડવાનું અને 3000થી વધુ યુવાઓને રોજગારી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સેક્ટરપ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે, “આ એક્સપો વેપાર સાથે સમાજમાં સશક્તિકરણ માટે ઉપયોગી સાબિત થશે.”
આ રીતે તાપી ટ્રાવેલ એક્સપો સુરતમાં રોજગાર, ઉદ્યોગ અને સમાજહિત માટે મજબૂત પગથિયો સાબિત થવાની તૈયારીમાં છે.