સિટી ઇજનેર અલ્પેશ મજુમદારની હાજરીમાં જ નબળી કામગીરી ઝડપાઈ
રોલિંગ, વોટરિંગ કર્યા વિના વેઠ ઉતાર કામગીરી કરી દેવાતા પાલિકાનું વાહન કાચા માર્ગમાં ફસાયું
વડોદરા શહેરમાં દશામા વિસર્જન માટે મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કુલ 7 કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી એક તળાવ તરસાલી ખાતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંદાજિત 17 લાખ રૂપિયાના ખર્ચે આ તળાવ અને તેના આસપાસનો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગતરોજ બપોરે પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ તરસાલી તળાવની મુલાકાત લીધી હતી. આ સ્થળે દક્ષિણ ઝોનના અધિકારી અલ્પેશ મજુમદાર પણ હાજર હતા. જોકે, તેમની હાજરીમાં જ પાલિકાનું જ એક વાહન તળાવ પાસેના કાચા માર્ગમાં ફસાઈ ગયું હતું. આ ઘટનાએ કામગીરીની ખરાઈ ખુલ્લી પાડી હતી. વાહનને બહાર કાઢવામાં ઘણી મહેનત કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાચો માર્ગ બનાવાયા બાદ તેને બે થી ત્રણ દિવસ સુધી યોગ્ય વોટરિંગ અને રોલિંગ કરવું ખૂબ જરૂરી છે. તેમ છતાં યોગ્ય રોલરીંગ અને વોટરીંગ ન કરતા આવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું. એટલું જ નહીં, અલ્પેશ મજુમદાર ખુદ સિટી ઇજનેર હોવા છતાં તેમને આ બેદરકારીને વખોડવાને બદલે બચાવ કર્યો.
દશામાં વિસર્જન માટે શનિવાર રાત્રે હજારો ભક્તો અહીં આવશે. તેવા સમયે પણ તળાવ નજીકના માર્ગનું કામ શુક્રવાર સુધી પૂરુ થયેલું નહોતું. સાંજે 4:15 સુધી પણ આસપાસના કાચા રસ્તાનું કામ ચાલુ હતું. પાલિકા લોકોની સુવિધા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ કામની ગુણવત્તા પર જો ધ્યાન ના અપાય તો આખી વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થાય છે. સામાન્ય બાબતોમાં પોતાના ઝોનના કર્મચારીઓને નોટિસ આપનારા અધિકારી અલ્પેશ મજુમદારની હાજરીમાં આવી બેદરકારી સામે આવતા હવે પ્રશ્ન એ છે કે તેમને જવાબદાર કોણ ઠરાવશે ? બીજી તરફ પાલિકા તરફથી દશામાં વિસર્જન માટે તમામ પ્રકારની તૈયારી કરવાની વાત કહેવાઈ રહી છે, પરંતુ તરસાલીથી સામે આવેલી સ્થિતિ જુદું જ ચિત્ર રજૂ કરે છે. હવે આ કામગીરીમાં ખામી બદલ જવાબદારી ફાળવવામાં આવે છે કે નહિ, તે દિશામાં સૌની નજર છે.