વનવિભાગ દ્વારા સાપને મારનાર વિરુદ્ધ કાર્યવાહી :
હાજર લોકોએ સાપને નહીં મારવા જણાવવા છતાં શખ્સે નિર્દોષ જીવનો જીવ લઈ લીધો :
( પ્રતિનિધી )વડોદરા,તા.2
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એક પ્રખ્યાત પાઉંભાજીના ધારકે પોતાના ગ્રાહકો સાચવવા માટે જીવ હત્યા કરી હતી. પવિત્ર શ્રાવણ માસમાં દુકાન પાસે આવી ગયેલા સાપનું પથ્થર મારી મોત નિપજાવ્યું હતું. આ ઘટનાને લઈ પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.ભગવાન ભોળેનાથની આરાધના માટે શ્રાવણ માસનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે,પોતાની ઘરાકી સાચવવા માટે એક ઈસમે સાપની જાહેરમાં મુખ્ય માર્ગ પર પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તા પાસે શ્રી મહાવીર પાઉંભાજી પાસે સાપ નીકળ્યો હતો. લોકોએ મારવાની ના પણ પાડી છતાં મારી ઘરાકી બગડે છે, તેમ કહી એક ઈસમે જાહેર રસ્તા પર સાપને પથ્થર મારીને તેનું મોત નિપજાવ્યું હતું. જ્યારે આ દ્રશ્યો એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. સાપની હત્યાથી પ્રાણી પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી.

પ્રાણી પ્રેમીએ જણાવ્યું હતું કે, આ વન્ય જીવ શિડ્યુલમાં આવતો જીવ છે. જીવ તો જીવ હોય છે. પછી એ મનુષ્યનો હોય કે, પ્રાણી પક્ષીનો, આ ઈસમે જે સાપની હત્યા કરી તે ગેર વ્યાજબી છે. એની સામે કાર્યવાહી થવી જોઈએ. જ્યારે, આ મામલે વનવિભાગ દ્વારા જે ઈસમે સાપની હત્યા કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.