માંજલપુર બ્રાન્ચમાં ખાતું ધરાવનાર મકરપુરાના એકાઉન્ટ હોલ્ડરે ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટ મશીનમાં જમા કરાવી
વડોદરા તારીખ 1
માંજલપુર વિસ્તારમાં આવેલી એચડીએફસી બેન્કના ડેપ્યુટી મેનેજર સીડીએમ મશીનમાંથી કેસ કાઢવા માટે ગયા હતા. ત્યારે ભારતીય ચલણની 500ના દરની 27 ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. જેની તપાસ કરતા તેમની જ બેંકમાં ખાતું ધરાવનાર મકરપુરા ના એકાઉન્ટ હોલ્ડર ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી ડુપ્લીકેટ નોટો મશીનમાં જમા કરાવી હોવાનું જાણવા મળ્યું હતું જેથી ડેપ્યુટી મેનેજરે આ ખાતાધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 27 ડુપ્લીકેટ 500 ની નોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં જમા કરાવાઈ છે.
વડોદરા શહેરમાં આવેલી વિવિધ બેન્કોમાં થી તાજેતરમાં જ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટો જમા કરાવવામાં આવી હતી. દિવાળીપુરા વિસ્તારમાં શ્રેયા ઉન્નતભાઈ શાહ માંજલપુર વિસ્તારમાં આવેલી એચડીએફસી બેન્કમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. બેંકના નિયમ મુજબ દરરોજ બેન્કમાં સી.ડી.એમ મશીનોમાં જમા થયેલી કેશ સવારે બેંક ચાલુ થાય તે પહેલા કાઢવાની હોય છે. જેથી રૂટીન મુજબ તેઓ બે જાન્યુઆરી 2025ના રોજ સવારે આસીસ્ટંટ મેનેજર (કેસીયર) ઝલક ગાંધી સાથે કેશ ડીપોઝીટ મશીનમાં જમા થયેલી કેશ કાઢવા માટે ગયા હતા અને સી.ડી.એમ મશીન ચાવી વડે ખોલી તેમાની અલગ અલગ દરની નોટો કાઢી હતી ત્યારે અસલ નોટો સીવાય સી.ડી.એમ મશીનમાં જમા થયેલી ભારતીય ચલણની 500ના દરની 27 બનાવટી નોટો મળી આવી હતી. જે નોટો ઉપર CHILDREN BANK OF INDIA લખેલુ છે. આ તમામ નોટો ખોટી હોવાનુ જાણતા હોવા છતાં કોઈ શખસે સીડીએમ મશીનમાં આ નોટો ડિપોઝિટ કરાવી હતી.
ડેપ્યુટી મેનેજર દ્વારા મળી આવેલી ₹ 500 ના દરની 27 ડુપ્લીકેટ નોટો ડીસીબી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવી છે. આ બનાવટી નોટો મશીનમાં કોણે નાખી તે બાબતે સીસ્ટમમાં તપાસ કરતા ગત 1 જાન્યુઆરીના રોજ રાત્રીના દસ વાગ્યાના અરસામાં એચ.ડી.એફ.સી બેન્ક માંજલપુર શાખામાં એકાઉન્ટ ધરાવનાર ચંદન સુરેશ ચરણ ( રહે.વ્રજ રેસીડેન્સી, એર ફોર્સ સ્ટેશન પાછળ, મકરપુરા વડોદરા)નો હોવાનું જાણવા મળ્યું હતું. બેંક ધારકના મોબાઇલ પર સંપર્ક કરતા બંધ આવતો હતો અને ત્યારબાદથી આજ દિન સુધી એકાઉન્ટ હોલ્ડરે પોતાના એકાઉન્ટમાં કોઈ ટ્રાન્જેકશન કર્યો નથી. નોટો બનાવટી હોય એકાઉન્ટ ધારકના ખાતામાં રૂપીયા જમા થયા નથી. ડેપ્યુટી મેનેજર દ્વારા પોલીસ સ્ટેશનમાં ડુપ્લીકેટ નોટ મશીનમાં જમા કરાવનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.