વડોદરા: વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગની સંયુક્ત ટીમે સતત ત્રીજા દિવસે વાઘોડિયા બ્રિજ, જાંબુવા તથા અહિયાંના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર લારી-ગલ્લા, દબાણો અને આડેધડ પાર્કિંગ સામે મોટી કાર્યવાહી કરી દંડ ફટકારતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

વડોદરા પાલિકા અને પોલીસ વિભાગે સતત ત્રીજા દિવસે દબાણ હટાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસો હેઠળ વાઘોડિયા ચોકડી અને આસપાસના વિસ્તારોમાં આ મેગા ઓપરેશન ચાલ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો, ખાસ કરીને વાઘોડિયા બ્રિજ નીચે અને નેશનલ હાઈવેના ભાગ પર આવેલા લોકલ લારી-ગલ્લા, કાચા દબાણો અને આડેધડ પાર્ક થયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે છેલ્લા ત્રણ દિવસમાં દુમાડ તેમજ હાઇવે પર રોડ ની આજુબાજુ ગેરકાયદેસર દબાણો હટાવી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેની કામગીરી કરી છે. શુક્રવારે સવારથીજ વાઘોડિયા બ્રિજ વિસ્તૃત વિસ્તારમાંથી દબાણો હટાવી બે ટ્રક જેટલો ગેરકાયદેસર સામાન જપ્ત કર્યો છે. આ ઓપરેશન દરમ્યાન દબાણકર્તાઓમાં ગભરાટ જોવા મળ્યો અને ઘણા લારી-ગલ્લા ધારકો તેમનો સામાન છોડીને ભાગતા દ્રશ્યો જોવા મળ્યા. ટ્રાફિક વિભાગે રસ્તા પર ખોટી રીતે ઊભા રાખેલા વાહનોનાં ચાલકોને મેમો આપી અને તેમની સામે દંડ વસુલ્યો.
ઓપરેશનોના મુખ્ય હેતુ શહેરની ટ્રાફિક સમસ્યા, ખાસ કરીને નેશનલ હાઈવે પરથી વાહનવ્યવહાર સરળ બનાવવાનો છે. અમદાવાદ-મુંબઇ હાઈવે પર, ખાસ કરીને જાંબુવા વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી જેના નિવારણ માટે સ્થાનિક તંત્રએ મજબૂત પગલાં લીધા છે.
દરમિયાન, ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી ખાતે પણ આવા ઓપરેશનો હાથ ધરાઈ ચુક્યા છે, જ્યાંથી અનેક દબાણો અને ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવામાં આવ્યા છે. આ પ્રકારની સતત કાર્યવાહીથી આશા છે કે ભવિષ્યમાં શહેરના મુખ્ય માર્ગો પર અવરજવર સરળ અને પ્રમાણિત રહેશે, સાથે જ વાહનોની લાંબી કતારનાં દૃશ્યોમાં ઘટાવ આવશે.
આ ઓપરેશન માટે સમગ્ર મહાનગરપાલિકા, પોલીસ અને હાઈવે અથૉરિટીની ટીમો તથા અધિકારીઓ હાજર રહી કામગીરીમાં સક્રિય રહ્યા હતા.