પકડાવાના ડરથી ભાગેલા ચાલકે વારસિયા રીંગ રોડ પર વધુ એક અકસ્માત સર્જ્યો
પોલીસે ચાલક સહિત બેને દબોચ્યા
કારમાંથી દારૂની બોટલ મળી આવી
વડોદરા તારીખ 1
વડોદરા શહેરમાં વધુ એકવાર રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો હતો. ગોલ્ડન ચોકડીથી નશો કરેલી હાલતમાં ચાલક કાર દોડાવી આવી રહ્યો હતો અને માણેક પાર્ક એરપોર્ટ સર્કલ પાસે એક વૃદ્ધને અડફેટે લીધા હતા. પકડાવાના ડરથી નશામાં ધૂત ચાલકે ઓવર સ્પીડમાં કાર ચલાવી સંગમથી વારસિયા રીંગ રોડ તરફ આવ્યા હતા અને પંચશીલ પાસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. દરમિયાન દોડી આવેલી વારસિયા પોલીસે નસેડી કાર ચાલક અને સહિત બેને ઝડપી પાડ્યા હતા. તેમની કારમાં તલાસી લેતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કાર અને દારૂની બોટલો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં નશો કરીને વાહન ચલાવવાના કારણે વારંવાર અકસ્માત થતા હોય છે. જેમાં ઘણા નિર્દોષ લોકોના મોત પણ નીપજ્યા છે પરંતુ પોલીસ તંત્ર આ નસેડી વાહન ચાલકો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. જેના પગલે નશો કરીને વાહન ચલાવનાર લોકોને મોકળું મેદાન મળી ગયું છે. જેના કારણે અકસ્માત ના બનાવો અવારનવાર બની રહ્યા છે. ત્યારે જબુગામથી કાર ચાલક દારૂનો નશો કરેલી હાલતમાં પુરઝડપે કાર દોડાવી આવી રહ્યો હતો અને વડોદરાની ગોલ્ડન ચોકડીથી માણેક પાર્ક એરપોર્ટ પાસે એક વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ લોકોએ પીછો કરતાં ચાલકે ઓવર સ્પીડમાં કાર ભગાવી સંગમથી વારસિયા રીંગ રોડ પર આવ્યો હતો અને પંચશીલ પાસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. દરમિયાન વારસિયા પોલીસને અકસ્માતની વર્ધી મળતા તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને નશો કરેલી હાલતમાં ચાલક સહિત બે જણાને ઝડપી પાડ્યા હતા. બંનેને વારસિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા બાદ બંનેની પૂછપરછ શરૂ કરી હતી. તેમની કારમાં તલાસી લેતા દારૂની બોટલો મળી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે પોલીસે કાર અને દારૂની બોટલો કબજે કરી આ બંને શખ્સ વડોદરામાં કોને દારૂની ડિલિવરી આપવા માટે આવ્યા હતા તેની પણ તપાસ શરૂ કરી છે.