ભારતે પોતાની દરિયાઈ સુરક્ષા ક્ષમતા વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગત રોજ ગુરુવારે ‘હિમગિરી’ નામનું સ્વદેશી મલ્ટી-રોલ સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજને દુશ્મન માટે ચેતવણીરૂપ ગણી શકાય તેમ છે.
હિમગિરીના નિર્માણનું કામ કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. આ ફ્રિગેટ ‘પ્રોજેક્ટ 17A’ હેઠળ તૈયાર કરાયેલ ત્રીજું યુદ્ધ જહાજ છે. હિમગિરીનું વજન લગભગ 6670 ટન છે અને તેની લંબાઈ 149 મીટર છે.
પ્રોજેક્ટ 17A શું છે?
પ્રોજેક્ટ 17Aએ ભારત સરકારનો એક મહત્વકાંક્ષી યુદ્ધજહાજ પ્રોજેક્ટ છે, જેના હેઠળ કુલ સાત સ્ટીલ્થ ફ્રિગેટ બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી ચાર મુંબઈ સ્થિત માઝગાંવ ડોક્સ (MDL) અને ત્રણ કોલકાતા સ્થિત GRSE ખાતે તૈયાર થઇ રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.45,000 કરોડ જેટલો છે.
આ પહેલા, તા.1 જુલાઈએ ‘ઉદયગીરી’ નામનું બીજું યુદ્ધજહાજ પણ નૌકાદળને સોંપવામાં આવ્યું હતું, જેનું નિર્માણ મુંબઈના ડોકયાર્ડમાં થયું છે. બંને યુદ્ધ જહાજોને 2025 ઓગસ્ટના અંત સુધીમાં નૌકાદળમાં પૂરતું સામેલ કરવાની યોજના છે.
આ પહેલા જાન્યુઆરીમાં ‘INS નીલગિરી’ પણ આ પ્રોજેક્ટ હેઠળ નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. હવે બાકીના ચાર યુદ્ધ જહાજો 2026ના અંત સુધીમાં નૌકાદળને સોંપવામાં આવશે.
હિમગિરીનું નૌકાદળમાં સામેલ થવું એ ભારતની દરિયાઈ રક્ષણશક્તિ માટે મોટું પગલું ગણાય છે. સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી બનેલા આ જહાજો ભારતને આત્મનિર્ભરતા તરફ પણ વધુ એક પગલું આગળ વધારશે.