
નડિયાદમાં ACBની સફળ ટ્રેપ
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 31
નડિયાદમાં લાંચ લેતા પોલીસકર્મીઓને પકડવા માટે ACB દ્વારા વધુ એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવી છે. શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)માં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર જયંતિભાઈ પટેલ દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપીને એક જાગૃત નાગરિક પાસેથી રૂ. 25,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.
આ કેસની વિગત અનુસાર, નડિયાદના ગુતાલ ગામના એક જાગૃત નાગરિક અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ દેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપીને આરોપી કોન્સ્ટેબલ હિરેનકુમાર પટેલે 25,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે ACB દ્વારા ગુરુવાર, 31મી જુલાઈ, 2025ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન, આરોપી કોન્સ્ટેબલ હિરેનકુમાર પટેલે ફરિયાદીના ઘરે, ઇંદિરાનગર, ગુતાલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. હેતુલક્ષી વાતચીત બાદ તેણે ફરિયાદી પાસેથી લાંચ પેટે માંગેલી 25,000ની રકમ સ્વીકારી હતી. તે જ સમયે, ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ACBની ટીમે આરોપી પાસેથી લાંચની રકમ પણ રિકવર કરી છે. આ સફળ ઓપરેશનમાં ACBના અધિકારીઓ અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી, અને લાંચિયા પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ પોલીસ વિભાગમાં ચાલતી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.