SURAT

ભારતીય ફૂડ: રેડી ટુ ઇટવાળી આઇટમની કેનેડામાં ભારે ડિમાન્ડ

સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારે ‘કેનેડામાં (Canada) નિર્યાતની તકો’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ-2017થી સન્માનિત સફળ ઇન્ડો કેનેડિયન ઉદ્યોગ સાહસિક મુકુંદ પુરોહિતે કેનેડામાં જે ચીજવસ્તુઓની નિર્યાત કરવા માટે તકો રહેલી છે તે વિશે માહિતી આપી હતી.

મુકુંદ પુરોહિતે જણાવ્યું હતું કે, કેનેડામાં ગુજરાતી બિઝનેસ એસોસિએશનની સ્થાપના થઇ હતી અને તેનો મુખ્ય હેતુ કેનેડામાં વસનાર ગુજરાતીઓને સૌપ્રથમ બિઝનેસ આપવાનો છે. ભારતીય ફૂડની આઇટમ કેનેડામાં ઉપલબ્ધ થતી નથી. પહેલા એવું હતું કે માત્ર ભારતીયો જ ભારતીય ફૂડ પસંદ કરતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે ભારતીયો ઉપરાંત મેઇન સ્ટ્રીમના લોકો પણ ભારતીય ફૂડને પસંદ કરે છે. આથી ભારતીય ફૂડ તેમાં પણ ખાસ કરીને રેડી ટુ ઇટવાળી આઇટમની કેનેડામાં ભારે ડિમાન્ડ છે. પ્રોપર પેકેજિંગ કરીને રેડી ટુ ઇટ ફૂડ કેનેડામાં નિર્યાત કરવા માટે વિશાળ તક રહેલી છે. વલસાડની કેરીની ખૂબ જ મોટી ડિમાન્ડ કેનેડામાં રહે છે. કેનેડામાં જેટલી ડિમાન્ડ રહે છે તેટલો સપ્લાય ભારતમાંથી થતો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેડિમેડ ગારમેન્ટ કેનેડામાં આવે છે પણ ભારતથી આવતું નથી ત્યારે દુઃખ થાય છે. આથી ભારત માટે રેડિમેડ ગારમેન્ટ કેનેડામાં નિર્યાત કરવા માટે વિશાળ તક છે. નોર્થ અમેરિકાનું આખું માર્કેટ રેડિમેડ ગારમેન્ટ માટે ઉપલબ્ધ છે. આઇટી કંપનીઓ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ માટે પણ કેનેડામાં ઘણી તકો રહેલી છે. કેનેડાનાં કેટલાંક રાજ્યો દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે સંકળાયેલા લોકોને કેનેડામાં લાવવા માટે ઇમીગ્રેશન પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આઇટીમાં જે લોકોને ત્રણ વર્ષથી વધારાનો અનુભવ થયો છે તેઓ કેનેડામાં ઓફિસ પણ ખોલી શકે છે.

મુકુંદ પુરોહિતે વધુમાં કહ્યું હતું કે, ફેશનમાં લેધરની વસ્તુઓ તેમજ નેચરલ અને ઓર્ગેનીક ચીજવસ્તુઓની પણ ખૂબ ડિમાન્ડ કેનેડામાં રહે છે. કેનેડામાં પ્રિન્ટિંગ એન્ડ પેકેજિંગ, ક્લીનટેક વોટર, સ્માર્ટ સિટી અને સોલાર સંબંધિત ટેક્નોલોજી માટે પણ ઘણી તકો છે. કોઇપણ પ્રોડક્ટની નિર્યાત કરવા માટે અમદાવાદમાં આવેલી કેનેડાની ટ્રેડ ઓફિસ તેમજ કેનેડાના કોન્સુલ જનરલની મદદ લઇ શકાય છે. આ ઉપરાંત ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ વિગેરે સંસ્થાની બીટુબી બિઝનેસ માટે કનેક્ટિવિટી મેળવી શકાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top