બોમ્બે હાઈકોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કબૂતરોને ખવડાવવું એ હવે જાહેર ઉપદ્રવ ગણાશે અને તે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો ઉભો કરે છે. તા.30 જુલાઈના રોજ ન્યાયમૂર્તિ જીએસ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ આરિફ ડોક્ટરની બેન્ચે પ્રાણી પ્રેમીઓ દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.
કોર્ટએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને (BMC) એવા લોકોને સામે FIR નોંધવાની છૂટ આપી છે, જે કબૂતરોને ખવડાવવાનું ચાલુ રાખે છે, ખાસ કરીને તેટલી જગ્યાએ જ્યાં ખવડાવવાની પરવાનગી આપવામાં નથી આવી. સાથે જ BMCને શહેરમાં આવેલ કબૂતરખાનાઓમાં કબૂતરોના ટોળાને એકઠા થવામાં અવરોધ લાવવાના માટે કડક પગલાં લેવા જણાવ્યું છે.
હકીકતમાં, તા.3 જુલાઈના રોજ BMCએ મુંબઈના તમામ 51 કબૂતરખાનાઓ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી, જાહેર સ્થળે કબૂતરોને ખવડાવનારાઓ પર રૂ.500નો દંડ લગાવવાનો પણ આદેશ છે. કેટલીક રહેણાંક સોસાયટીઓએ તો રૂ.1000 સુધીનો દંડ પણ નક્કી કર્યો છે.
આ અંગે અરજીકર્તાઓ પલ્લવી પાટિલ, સ્નેહા વિસારિયા અને સવિતા મહાજને દાવો કર્યો હતો કે BMCનું આ પગલું પ્રાણીઓની સુરક્ષા માટેના કાયદાની ઉલ્લંઘના કરે છે. પણ કોર્ટે જાહેર આરોગ્યના હિતમાં આ દલીલને નકારી હતી.
કોર્ટએ કહ્યું કે કબૂતરોનાં મળ, પીંછા અને ધૂળ દ્વારા ક્રિપ્ટોકોકોસિસ, હિસ્ટોપ્લાઝ્મોસિસ, પોપટ તાવ (સાયટાકોસિસ), સૅલ્મોનેલોસિસ જેવા જીવલેણ ઝૂનોટિક રોગો ફેલાઈ શકે છે. આવા રોગો પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતા હોય છે.
મહત્વનું છે કે મહારાષ્ટ્ર મ્યુનિસિપાલિટી અધિનિયમ 1949 ની કલમ 381(B) અને રોગચાળા રોગો અધિનિયમ 1897 મુજબ આવી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી શકે છે.