અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક મોટો વેપાર કરાર કર્યો હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, અમેરિકા અને પાકિસ્તાન સંયુક્ત રીતે તેલ ભંડાર વિકસાવશે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના સમુદ્રમાં વિશાળ તેલ ભંડાર છે જેનો સંપૂર્ણ રીતે ઉપયોગ થતો નથી અને હવે બંને દેશો સાથે મળીને આ ક્ષેત્રમાં કામ કરશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “ટ્રુથ સોશિયલ” પર લખ્યું કે “અમે પાકિસ્તાન સાથે કરાર કર્યો છે, જેમાં તેમનાં તેલ ભંડારને વિકસાવવા માટે બંને દેશ જોડાશે. કઈ કંપની નેતૃત્વ કરશે એ હજી નક્કી થયું નથી.”
ટ્રમ્પે મજાકમાં કહ્યું કે, “કદાચ એક દિવસ આવશો જ્યારે પાકિસ્તાન ભારતને તેલ વેચશે.”
હાલમાં પાકિસ્તાન પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટા પાયે મધ્ય પૂર્વથી તેલ આયાત કરે છે. પરંતુ કેટલાક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના દરિયાકાંઠે વિક્રમતી તેલ ભંડાર છે, જેનું શોષણ ટેકનિકલ અવરોધો અને નાણાકીય તંગીથી થતું નથી.
આ તરફ પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. ટ્રમ્પના આ નિવેદન પછી રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને ત્યારે જ્યારે ટ્રમ્પે પહેલા ભારતને મિત્ર દેશ ગણાવ્યું હતું, પણ તાજેતરમાં ભારત પર 25% આયાત ડ્યુટી (ટેરિફ) લગાવવાનું એલાન કર્યું છે.
ટ્રમ્પે જણાવ્યું કે ભારત દુનિયાના સૌથી ઊંચા ટેરિફ લાદનારા દેશોમાંથી એક છે અને અમેરિકા તેને લઈને વાતચીત કરી રહ્યું છે. તેમણે ભારતની નીતિઓને “વાંધાજનક” પણ ગણાવી હતી.
ભારતે જવાબમાં કહ્યું છે કે તેઓ અમેરિકા સાથે સંતુલિત અને પરસ્પર ફાયદાકારક કરાર માટે પ્રતિબદ્ધ છે અને તમામ નિવેદનોની તપાસ કરી રહી છે.