અગ્નિશમન વિભાગમાં ખરીદી પ્રક્રિયા બાબતે તપાસ માટે સમિતિ રચાઈ
27 ફેબ્રુઆરીએ કરવામાં આવેલી ખરીદી પ્રક્રિયા અંગે વહીવટી અને તાંત્રિક પાસાઓની ચકાસણી કરાશે
અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા GEM પોર્ટલ (GEM.GOV.IN) પર કરાયેલી ખરીદી પ્રક્રિયા સંદર્ભે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહીવટી અને તાંત્રિક તપાસ માટે ચાર સભ્યોની પ્રાથમિક તપાસ સમિતિ રચવામાં આવી છે. જેમાં ગંગાસિંઘ (ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વહીવટ) અધ્યક્ષ, એચ.એમ. રાવ (ચીફ ઓડિટર) સભ્ય, સંતોષ એચ. તિવારી (ચીફ એકાઉન્ટન્ટ) સભ્ય, રાજેન્દ્ર એચ. વસાવા (કાર્યપાલક ઈજનેર, સેન્ટ્રલ સ્ટોર) સભ્યનો સમાવેશ થાય છે.
આ સમિતિને, GEM પોર્ટલ પર તા. 27/02/2025ના દિવસે પ્રકાશિત થયેલ ટેન્ડર નGEM/2025/D/6003667 હેઠળ કરવામાં આવેલી ખરીદી પ્રક્રિયા અંગે વહીવટી અને તાંત્રિક રીતે તમામ પાસાઓની ચકાસણી કરવી રહેશે. ખાસ કરીને તે તપાસવામાં આવશે કે ખરીદી પ્રક્રિયામાં કયાંક કોઈ અનિયમિતતા થઇ હતી કે કેમ. વધુમાં આ પોર્ટલ પર કોના યુઝર આઇડીથી લૉગિન કરીને આ ખરીદી પ્રક્રિયા ચલાવવામાં આવી તે બાબત મહત્વની બની રહેશે. કારણ કે, આ માહિતીથી સમગ્ર પ્રક્રિયા પાછળનો જવાબદાર કોન છે તે પણ જાણી શકાય તેમ છે. પાલિકા દ્વારા સમિતિને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવાયું છે અને તેમને ત્રણ દિવસની અંદર સંપૂર્ણ વિગતવાર અહેવાલ રજૂ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ટેન્ડર પ્રક્રિયા થયા બાદ ટેન્ડરને સ્થાયી સમિતિએ મંજૂરી પણ આપી હતી.
GEM પોર્ટલ પર કયા અધિકારીની યુઝર આઇડીથી ખરીદી કરાઈ ?
પાલિકાના અગ્નિશમન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ ખરીદીમાં બે ત્રણ અધિકારીઓની ભૂમિક છે. જેમાં સૌથી મહત્વની કડી એ છે કે, આ અધિકારીઓ પૈકી કોના GEM પોર્ટલના યુઝર આઇડી દ્વારા આ સમગ્ર ખરીદીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેને લઈને હાલ પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સમિતિની તપાસમાં આ મામલે તપાસ થાય છે કે કેમ તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.