આપણા વડાપ્રધાન મોદી કેટલાક સમયથી કહી રહ્યા હતા કે હવે યુદ્ધોનો સમય રહ્યો નથી. પરંતુ પછી થયું તેનાથી બિલકુલ ઉંધુ! દુનિયામાં અનેક સ્થળે યુદ્ધ સળગી ઉઠયા. સૌથી પહેલા તો ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નિકળ્યું જે છુટુંછવાયું હજી પણ ચાલુ જ છે. ત્યારબાદ ઓકટોબર ૨૦૨૩માં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે લડાઇ શરૂ થઇ. જો કે તે બે દેશો વચ્ચેનું યુદ્ધ ન હતું. ત્યારબાદ હાલ પહેલગામ હુમલા પછી મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂંકી, યુદ્ધ કક્ષાની લડાઇ થઇ ગઇ અને પછી ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ટૂંકુ યુદ્ધ થયું.
આ બધું માંડ શાંત થયું હતું ત્યાં દુનિયાએ એક અણધારી લડાઇ જોઇ. થાઇલેન્ડ અને કંબોડિયા લડી પડ્યા. બંને દેશો વચ્ચે આમ તો લાંબા સમયથી વિવાદ હતો પણ આમ અચાનક યુદ્ધ થશે એેવો કદાચ વિશ્વના મોટા ભાગના દેશોને ખયાલ ન હતો. થાઇલેન્ડ અને કંબોડિયાએ તેમની સરહદ પર પાંચ દિવસ સુધી ચાલેલી લડાઈમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા અને હજારો લોકો વિસ્થાપિત થયા બાદ છેવટે સોમવારે તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ માટે સંમતિ દર્શાવી છે.
થાઇલેન્ડ અને કંબોડિયા બન્ને બૌદ્ધ બહુલ દેશો છે અને એક પ્રાચીન મંદિર ધરાવતા વિસ્તાર પર કબજા માટે તેમની વચ્ચે લાંબા સમયથી વિવાદ છે. જો કે આ લડાઇ બહુ મોટા વૈશ્વિક સંજોગો સર્જે તેવી તો ન હતી પરંતુ તે અટકી ગઇ તે સારું જ થયું છે. આમ તો આમાં મલેશિયાએ સંધિ કરાવી છે પણ અમેરિકી પ્રમખ ટ્રમ્પની આમાં મોટી ભૂમિકા કહેવાય છે. મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે તેમના થાઈ અને કંબોડિયાના સમકક્ષો સાથે મળીને જાહેરાત કરી હતી કે લડાઇ બંધ થઇ રહી છે. શરૂઆતમાં થાઇલેન્ડે મધ્યસ્થી કરવાની તેમની ઓફરને નકારી કાઢી હતી પરંતુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે લડાઈ બંધ ન થાય ત્યાં સુધી ટેરિફ વાટાઘાટો આગળ વધશે નહીં.
તેના પછી થાઇલેન્ડે સંમતિ આપી હતી. ટ્રમ્પની વેપાર બંધની ધમકી ઘણા સ્થળે કામ લાગી રહી છે એમ જણાય છે. ભારત-પાક. લડાઇ અટકાવવા પણ પોતે આ શસ્ત્ર વાપયું હોવાનો દાવો ટ્રમ્પ કરે છે પણ ભારત તે દાવો ફગાવી દે છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે મે મહિનામાં એક કંબોડિયા સૈનિકના અથડામણમાં માર્યા ગયા બાદ જૂના સરહદ વિવાદ પર તણાવ વધી ગયો હતો અને તે જુલાઇમાં યુદ્ધમાં વિસ્ફોટાયો. થાઇલેન્ડે નાગરિકો અને પ્રવાસીઓ પર જમીન માર્ગે કંબોડિયા જતા પ્રતિબંધો લાદ્યા હતા, જ્યારે કંબોડિયાએ થાઇલેન્ડથી ફળો, વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ સહિત કેટલીક આયાતો પર પ્રતિબંધ મૂક્યો હતો.
સ્થાનિક કંબોડિયાના આઉટલેટ્સે અહેવાલ આપ્યો હતો કે મે મહિનાથી લાખો કામદારો થાઇલેન્ડથી પાછા ફર્યા છે. ગયા અઠવાડિયે એક થાઈ સૈનિકે લેન્ડમાઇન વિસ્ફોટમાં પોતાનો પગ ગુમાવ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. થાઇલેન્ડે કંબોડિયા સાથેની તેની કેટલીક સરહદ ક્રોસિંગ બંધ કરી દીધી. બંનેએ એકબીજાના રાજદૂતોને હાંકી કાઢ્યા. આ યુદ્ધમાં ઓછામાં ઓછા ૩૩ લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે જો કે ખરેખરો આંકડો થોડો ઉંચો હોઇ શકે છે. સોમવારે કુઆલાલંપુરમાં શાંતિ વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે પણ બંને દેશોમાં શેલ અને રોકેટ પડતા રહ્યા હતા.
બંને પક્ષોએ વધુ અથડામણ અટકાવવા માટે તેમની સેનાઓ, જે હવે ખૂબ જ મજબૂત બનાવવામાં આવી છે, સરહદ પરથી પાછી ખેંચવા અને કોઈ પ્રકારની સ્વતંત્ર દેખરેખ સ્વીકારવા માટે સંમત થવાની જરૂર પડશે. પાંચ દિવસની લડાઈને બંને બાજુના હજારો લોકો વિસ્થાપિત થયા છે. લગભગ દરેક યુદ્ધમાં સામાન્ય લોકોને ઘણુ વેઠવાનુ઼ આવે છે અને તેવું જ અહીં બન્યું છે. જ્યારે મલેશિયાએ વાટાઘાટોમાં મધ્યસ્થી કરી હતી, ત્યારે ખરું શ્રેય ટ્રમ્પને જાય છે.
શનિવારે રાત્રે આપેલા તેમના અલ્ટીમેટમમાં, જ્યાં સુધી બંને દેશો યુદ્ધ બંધ કરવા સંમત ન થાય ત્યાં સુધી ટેરિફ ઘટાડવા અંગેની તમામ વાટાઘાટો બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી, જે તેમને યુદ્ધવિરામ સ્વીકારવા માટે મજબૂર કરી ગઇ. પરંતુ યુદ્ધવિરામ જાળવી રાખવું મુશ્કેલ બનશે, કારણ કે હવે બંને સૈન્ય વચ્ચે ઊંડો અવિશ્વાસ છે, રાષ્ટ્રવાદી લાગણીઓ ઉશ્કેરાઈ છે. આશા રાખીએ કે બંને દેશો સમજદારી ભર્યો અભિગમ અપનાવે અને પોત પોતાના નાગરિકોના હિતમાં પણ હવે યુદ્ધને બદલે વાટાઘાટોથી વિવાદો ઉકેલવા પ્રયત્નો કરે.