Vadodara

રોયલ્ટી ફ્રી માટી મેળવનારાં 400થી વધુ લોકોના નામ છુપાવવાનો પાલિકાનો કારસો

વિશ્વામિત્રી નદીમાંથી ફ્રી માટી મેળવવામાં નેતાઓ અને કાઉન્સિલરોને ભારે ફાયદો થયો !

વિશ્વામિત્રીમાં રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગ દરમિયાન લાખો ટન માટી કોણે કેટલી લીધી એની માહિતી જાહેર કરાઈ નહીં

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગ માટે ચાર તબક્કામાં લગભગ 73 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમિયાન લાખો ટન માટી નદીમાંથી કાઢવામાં આવી. સરકાર દ્વારા આ માટી રોયલ્ટી ફ્રી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેથી નાગરિકો, સંસ્થાઓ અને ખેડૂતો તેનો ઉપયોગ કરી શકે. ફ્રીમાં માટી મેળવવા માટે શહેરભરમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી અને 400 થી વધુ અરજદારો વડોદરા શહેરમાંથી આવ્યા હતા. પરંતુ આજે બે માસ જેટલો સમય વીતી ગયા હોવા છતાં આ અરજદારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓ પર નેતાઓ અને કાઉન્સિલરોનું દબાણ હોવાનો આક્ષેપ ઊઠ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સૌથી વધુ માટી શહેરના કેટલાક મોટા નેતાઓ અને સ્થાનિક કાઉન્સિલરોએ મેળવી હતી. કેટલાકે તો આ માટીનો ઉપયોગ ખાનગી કામ માટે કર્યો તો કેટલાકે તો મફતમાં મેળવેલી માટી વેચી નફો પણ મેળવ્યો હોવાની ચર્ચા છે.

અરજદારોમાં કેટલીક ધાર્મિક સંસ્થાઓ અને જરૂરિયાતમંદ નાગરિકો પણ હતા. પરંતુ ઘણા લોકોને માટી મળી જ નહીં અને કેટલાકને મર્યાદિત પ્રમાણમાં જ મળી. આ અંગે પુછપરછ કરતાં પણ અધિકારીઓ કોઈ ચોક્કસ માહિતી આપતા નથી કે કોને કેટલી માટી આપવામાં આવી. ફ્રી રોયલ્ટી કરી રાજ્ય સરકારનો ઉદ્દેશ સામાન્ય નાગરિકોને ફાયદો પહોંચાડવાનો હતો, પરંતુ કેટલાક રાજકીય લોકો અને પ્રતિનિધિઓએ નિયમોની આડમાં અંગત લાભ લીધો હોવાના આરોપો થતાં હવે આ મામલો રાજકીય દબાણ હેઠળ દબાય જાય તેવી શક્યતા છે. જો અરજદારોના નામો અને માટીના વિતરણની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે તો અનેક નેતાઓના નામ બહાર આવી શકે છે. હાલમાં તો પાલિકાનું વહીવટી તંત્ર આ વિગતો છૂપાવતું હોવાનું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે.

રોયલ્ટી ફ્રી માટી યોજનામાં ભારે ગેરવહીવટના અણસાર

રાજ્ય સરકારે શહેરના નાગરિકોને ફ્રીમાં માટી મળી રહે તે માટે રોયલ્ટી ફ્રી કરી હતી. પરંતુ નાગરિકોને ફાયદો મળે તેના કરતા વધુ ફાયદો નેતાઓએ લીધો હોવાનું જાણવા મળ્યું છે. જો 400થી વધુ અરજદારો કોણ હતા અને કોણે કેટલી માટી મળી તે નામ અને આંકડા જાહેર કરવામાં આવે તો અનેક નેતાઓના પગ નીચેથી જમીન સરકી જાય એમ છે.

Most Popular

To Top