દવાઓ પણ ડુપ્લિકેટ ! જાણીતા કંપનીઓના નામે નકલી દવા બનાવી ઉમેરાતો હતો ચોક પાવડર
ડિસ્કાઉન્ટના ચક્કરમાં ડુપ્લિકેટ દવાઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે :
( પ્રતિનિધી )વડોદરા,તા.30
ગુજરાતમાં હવે દવાઓ પણ ડુપ્લિકેટ મળી રહી છે. રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને અનેક સ્થળોએ દરોડા પાડીને 17 લાખ રૂપિયાની કિંમતની નકલી એલોપેથિક દવાઓ જપ્ત કરી છે. આ સાથે વીસ નમૂના લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ટોરેન્ટ ફાર્મા, ગ્લેક્સો, ઈપ્કા, બાયોસ્વીફ્ટ, પ્રીવોક્સો કંપનીની દવાઓમાં ચોકનો પાવડર હોવાનું તેમજ વગર બિલે 50 ટકા ભાવે અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદી માર્કેટમાં વેચતા હતા.
વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં એલોપેથીક દવાની દુકાનો પર તેમજ દવા વેચતા વ્યક્તિઓના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 17 લાખનો નકલી દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, અન્ય રાજ્યો માંથી ચોકનો પાવડર ભરેલો હોય તેવી દવા ખરીદીને 50 ટકા ભાવમાં રોકડેથી વેચાણ કરવામાં આવતું હતું. નામાંકિત કંપનીઓની નકલી દવાઓ FDCA ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો.એચ.જી. કોશિયાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ટોરેન્ટ ફાર્માના અગ્રણી ઉત્પાદન કાયમોરલ ફોર્ટ, ગ્લેક્સો ઓગમેન્ટિન, ઇપ્કા કંપનીના ઝેરોડોલ એસપી, બાયોસ્વિફ્ટના ફીક્ઝેમ અને અન્ય નામોવાળી ડુપ્લિકેટ દવાઓ પકડી પાડી છે. પ્રાથમિક મૂલ્યાંકન દર્શાવે છે કે, આ દવાઓ ચોક પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી અને બિલ વિના અડધા ભાવે અન્ય રાજ્યોમાંથી રોકડમાં ખરીદવામાં આવી હતી. અમારી ટીમને આ રેકેટ વિશે માહિતી મળી હતી અને અમદાવાદના વટવા, અમરાઈવાડી અને બાપુનગરમાં ઘરો અને વ્યવસાયો પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમારી ટીમોએ ડુપ્લિકેટ દવાઓનો સ્ટોક પણ પકડ્યો હતો. અમારી ટીમોએ વડોદરા, સુરતના કતારગામ વિસ્તાર અને રાજકોટમાં પણ દુકાનો પર દરોડા પાડ્યા હતા અને ડુપ્લિકેટ દવાઓ જપ્ત કરી છે.