Vadodara

આંતરરાષ્ટ્રીય અભ્યાસ વિભાગ દ્વારા સોમવારે એક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન

ભારત-નાઈજિરિયા વૈશ્વિક દક્ષિણની જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરે : જેફ્રી ઓન્યેમા

નાઈજિરિયાના પૂર્વ વિદેશ મંત્રી અને પ્રસિદ્ધ વૈશ્વિક રાજદૂત જેફ્રી ઓન્યેમાએ રાજકીય અને આર્થિક સંબંધો પર વિગતવાર પ્રકાશ પાડ્યો

( પ્રતિનિધી )વડોદરા,તા.28

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના આંતરરાષ્ટ્રીય અભ્યાસ વિભાગ દ્વારા સોમવારે એક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત નાઈજિરિયા સંબંધ @2025 વિષયક આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે નાઈજિરિયાના પૂર્વ વિદેશ મંત્રી અને પ્રસિદ્ધ વૈશ્વિક રાજદૂત જેફ્રી ઓન્યેમા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય અનુભવ, ખાસ કરીને જિનેવા સ્થિત વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંગઠનમાં કાર્યકાળ દરમિયાનના અનુભવોના આધારે ભારત અને નાઈજિરિયા વચ્ચેના ઐતિહાસિક, રાજકીય અને આર્થિક સંબંધો પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો.

નાઈજિરિયાના પૂર્વ વિદેશ મંત્રી અને પ્રસિદ્ધ વૈશ્વિક રાજદૂત જેફ્રી ઓન્યેમાએ જણાવ્યું હતું કે, બંને દેશ હવે વૈશ્વિક દક્ષિણમાં અગ્રણિ ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને યુનિવર્સિટીના કુલગીત સાથે કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય અભ્યાસ વિભાગના ડીન પ્રો.મનીષે જણાવ્યું કે ભારત અને નાઈજિરિયાનો સંયુક્ત ઇતિહાસ, ઉપનિવેશવાદ અને જાતિવાદ સામેના સંઘર્ષ આજે દક્ષિણ-દક્ષિણ સહકાર દ્વારા એકતામાં પરિવર્તિત થયો છે. ઓન્યેમાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે તેમના વિદેશ મંત્રી પદના કાર્યકાળ દરમિયાન ભારત, નાઈજિરિયાની વિદેશ નીતિનો એક મુખ્ય સ્તંભ રહ્યો છે. તેમણે બંને દેશો વચ્ચે વેપાર, લોકશાહી, રક્ષણ, સાંસ્કૃતિક વિનિમય અને લોકો વચ્ચેના સંવાદના ક્ષેત્રોમાં વધતા સહકારની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વની અર્થવ્યવસ્થા હવે પરંપરાગત ઉત્પાદન અને વેપારથી આગળ વધી જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે ભારત અને નાઈજિરિયાને આ પરિવર્તનમાં માત્ર ભાગીદાર નહીં, પરંતુ નેતૃત્વકર્તા બનવું પડશે જેથી વૈશ્વિક દક્ષિણ પોતાનું માર્ગ સ્વયં નિર્ધારિત કરી શકે. કાર્યક્રમની અધ્યક્ષતા કુલપતિ પ્રો. રમાશંકર દુબેએ કરી. તેમણે ભારત અને નાઈજિરિયા વચ્ચેના લાંબા ગાળાના મિત્રતાપૂર્ણ સંબંધોની પ્રશંસા કરી અને તેને પરસ્પર સન્માન, સંયુક્ત સંઘર્ષો અને સમાન આશાઓ પર આધારિત એક મજબૂત ભાગીદારી તરીકે વર્ણવી હતી. કાર્યક્રમના સમાપન સમયે કુલસચિવ પ્રો. એચ.બી. પટેલે ઓન્યેમાના સારગર્ભિત ભાષણની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ વ્યાખ્યાન વિદ્યાર્થીઓને વૈશ્વિક દૃષ્ટિકોણ આપવાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે.

Most Popular

To Top