Charotar

ખંભાત પીએસઆઇ વતી રૂ.3 લાખની લાંચ લેતા વચેટિયો પકડાયો

ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બતાવા તથા વરઘોડો નહિ કાઢવાના 5 લાખ માંગ્યા હતા

આણંદ.
આણંદ એન્ટી કરપ્શન બ્યૂરો એ ખંભાત શહેર પીએસઆઇ વતી રૂ.3 લાખની લાંચ લેતા વચેટિયાને પકડી પડ્યો હતો. ગૌમાંસ ના કેસમાં આરોપી ન બતાવા અને વરઘોડો ન કાઢવા માટે રૂ.5 લાખની લાંચ માંગી હતી. જે રકઝકના અંતે 3 લાખ આપવાનું નક્કી કર્યું હતું. જે રકમ લેતા વચેટિયો પકડાયો હતો.

આણંદ એસીબી ના જણાવ્યા અનુસાર, ગઇ તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં પકડાયેલા આરોપીની કોલ ડીટેઇલમાં આ કામના ફરીયાદીનો મોબાઇલ નંબર આવેલા હતો. આથી આ કામે ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ગૌમાંસ અંગેના ગુનામાં ફરીયાદીને આરોપી તરીકે નહી બતાવવા તેમજ ફરીયાદી તથા તેમના પરીવારનો વરઘોડો નહી કાઢવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. ડી. રાઠોડ તેના વચેટિયા મોહમંદ ઇમરાન મોહમંદઉસ્માન સોદાગર (રહે. એસ/૩૨૩, નાકરાતની પોળ, ખંભાત) મારફતે પ્રથમ રૂ. પાંચ લાખ લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરીયાદીએ રકઝક અને આજીજી કરતા બન્ને આક્ષેપિતોએ રૂ.ત્રણ લાખ આપવાનુ નક્કી થયું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આણંદ એ.સી.બી. ખાતે આવી પોતાની ફરીયાદ આપતા તા.૨૬/૦૭/૨૦૨૫ ના રોજ લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જે મુજબ મોહમંદઇમરાન મોહમંદઉસ્માન સોદાગરએ હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. ત્રણ લાખની માંગણી કરી, સ્વીકારી તેમજ ટ્રેપ દરમ્યાન પકડી પડ્યો હતો. બાદમાં ઇમરાને પીએસઆઇ પી. ડી. રાઠોડને વોટસએપ કોલ કરી લાંચના નાણા મેળવ્યા અંગેની વાતચીત કરતા તેઓએ સંમતિ દર્શાવી હતી. જોકે, પી. ડી. રાઠોડને શક વહેમ પડતા નાસી ગયા હતા.
આ ટ્રેપ ખંભાતના લાલ દરવાજા ખાતે આવેલી તાડછા હોટલમાં ગોઠવાઈ હતી. જેમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ જોડાઈ હતી.

Most Popular

To Top