કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ
કાર સવાર સહીત ચાર શખ્સો ચિક્કાર નશો કરેલી હાલતમાં હતા
બે શખ્સે નીચે ઉતરી સામેની કારના ચાલકને માર માર્યો
મહિલાએ પોલીસ બોલાવતા ત્રણ શખ્સો ભાગી ગયા, એક ઝડપાયો
વડોદરા તારીખ 24
વડોદરા શહેર પોલીસ નશો કરીને વાહન ચલાવનાર શખ્સો ઉપર અંકુશ મેળવવામાં જાણે સદંતર નિષ્ફળ નિવડી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. આવી એક વધુ ઘટનામાં ઇલોરા પાર્ક તરફથી કારમાં ચિક્કાર નશો કરીને ચાર શખ્સો ધસી આવ્યા હતા. જેમાં ચાલકે સામેથી ગેસ પુરાવવા માટે આવતી અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો. જોકે સદનસીબે આ કારમાં બેઠેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર ચાર પૈકી બે શખ્સ નીચે ઉતરીને સામેની કારના ચાલકને માર માર્યો હતો. જેમાં મહિલાએ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને બોલાવતા બે શખ્સો કાર લઈને ભાગી ગયા હતા. જ્યારે અન્ય સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ એક નસેડીને ઝડપી પાડી અન્યની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નશો કરીને કાર ચલાવનાર શખ્સોને પોલીસનો કોઈ પ્રકારનો ખોફ રહ્યો ન હોય તેમ બિન્દાસ્ત છાકટા બનીને કાર ચલાવતા હોય છે. આવા નશેબાજોના કારણે નિર્દોષ લોકોના જીવ વારંવાર જતા હોય છે, પરંતુ પોલીસ આવા નસેડી વાહન ચાલકોને કાયદાના પાઠ શીખવવામાં જાણે કમજોર સાબિત થઈ રહી છે. ત્યારે 24 જુલાઈના રોજ મોડી રાત્રિના સમયે ઇલોરાપાર્ક વિસ્તારમાંથી કારમાં ચાર શખ્સો ચિક્કાર નશો કરીને પૂરઝડપે કાર દોડાવીને આવ્યા હતા અને રેસકોર્સ પાસે આવેલા ગેસ પંપ ખાતે ગેસ પુરાવવા માટે જઈ રહેલી અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જોકે સદનસીબે સામેની કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો પરંતુ કારમાં સવાર નસેડી ચાર શખ્સો પૈકી બે લોકો નીચે ઉતરી આવ્યા હતા અર્ટિગા કારના ચાલકને ઢોર માર માર્યો હતો. જેથી ચાલક સાથેની મહિલાએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં બે શખ્સો કાર લઈને ભાગી ગયા હતા. જ્યારે નીચે ઉતેલા બે પૈકી એક શખ્સ પણ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તાત્કાલીક દોડી આવેલી પોલીસે ચાર પૈકી એક નસેડીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ભાગી ગયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.