Vadodara

ગણેશ પાઉં ભાજી અને વુડીઝોન પીઝામાંથી વાસી અને અનહાઇજીનિક ખોરાક મળતા તાત્કાલિક નાશ

ફૂડ સેફ્ટી ઓફિસરોનું શહેરમાં ઇન્સપેક્શન ડ્રાઈવ, વાસી ખોરાકના નાશ કરાયો

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઇન્સપેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલાદર્શન ચાર રસ્તા વિસ્તારમાં આવેલ રીટેલર – કલાપી સ્વીટ એન્ડ ફરસાણમાંથી સ્વીટ ખોયા, ઘી અને કેસર પેંડાના ત્રણ નમુનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. વાઘોડીયા રોડ પર આવેલી ન્યુ હેવન વિદ્યાલય અને હેમીલ્ટન કેન્ટીન (ઓલ્ડ મહેતા ગલ્સ હોસ્ટેલ) તથા રીટેલર – ઓમ સ્વીટ એન્ડ નમકીનમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. દાંડીયાબજારમાં આવેલી શ્રી કચ્છી જૈન ભોજનાલય વિશે સ્વચ્છતા બાબતે ફરીયાદ મળતાં સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, સાથે ફૂડલેન્ડ રેસ્ટોરન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

કમાટીબાગ વિસ્તારના ગણેશ પાવભાજી હોકર પાસેથી વાસી ભાત મળ્યો હતો અને તેમાં કલર પણ જોવા મળતાં આશરે 2.5 કિલો જથ્થો નાશ કરાયો હતો. સાથોસાથ મીલ્ટન’સ સાઉથ એક્સપ્રેસ નામના હોકર પાસે રજીસ્ટ્રેશન ડિસ્પ્લે ન કરાયેલું હોવાને કારણે બંને જગ્યાએ ફૂડ સ્ટોલ બંધ કરાવ્યા હતા.

માંજલપુર વિસ્તારના વુડીઝોન પીઝા રેસ્ટોરન્ટમાંથી અનહાઇજેનીક રીતે રાખવામાં આવેલા બાફેલા બટાકા, ન્યુડલ્સ અને મકાઈ મળી આવી હતી, જેનો અંદાજે 5 કિલો જથ્થો નાશ કરાયો હતો તથા શીડ્યુલ-4 મુજબ નોટિસ અપાઈ હતી. દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ડી.આર. અમીન સ્કૂલની કેન્ટીનમાં પણ ઇન્સપેક્શન કરાયું હતું. જ્યારે વાસણા-ભાયલી રોડ પર આવેલ જોધપુરી સ્પેશિયલ દાલબાટીના ફૂડ વેન્ડર વિશે ફરીયાદ મળી હતી કે તેઓ ફૂડ બનાવતી વખતે ઉઠતો ધુમાડો નજીકના ઘરમાં જતો હતો. આ માટે સ્થળ તપાસ કરીને નોટિસ આપવામાં આવી હતી.

Most Popular

To Top