Vadodara

રેરા કેસ બાદ NRS પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના નિમિત સાંગાણી સામે નવા આક્ષેપ

એક જ પ્લોટ માટે વારંવાર રિવાઈઝ રજા ચિઠ્ઠી, વુડાની કામગીરી પણ શંકાસ્પદ

બુકિંગ લઈ મકાન ન આપ્યા, રિવાઈઝ રજા ચિઠ્ઠીનો ખેલ, દાયકાથી ચાલતો સુનિયોજિત ઘોટાળો

આજવા રોડ વિસ્તારના હોમ પ્રોજેક્ટ મામલે રેરામાં ફરિયાદ પછી હવે NRS પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક નિમિત સાંગાણી સામે નવા ઘટસ્ફોટ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે, નિમિત સાંગાણીએ એક જ પ્રકારના બિલ્ડિંગ માટેના અલગ અલગ પ્લોટ માટે છેલ્લા દાયકાથી વિવિધ સર્વે નંબરોના નામે વારંવાર વુડામાંથી રિવાઈઝ રજા ચિઠ્ઠી મેળવી છે. વિભાગીય માહિતી મુજબ, એક જ સાઇટ માટે અલગ અલગ વર્ષમાં વિવિધ દસ્તાવેજના આધારે રજા ચિઠ્ઠી અપાવવી અને બાંધકામમાં વિલંબ કરવો આશંકાસ્પદ ગણાઈ રહ્યું છે. કેટલાય ખરીદદારોનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયા પાછળ કોઈ ગોઠવણ છે, જેના દ્વારા બિલ્ડરે લોકો પાસે પૈસા લીધા પરંતુ મકાન હસ્તાંતરિત કર્યા નહીં. બીજી તરફ સમગ્ર મામલે વુડાની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે. જો રજા ચિઠ્ઠી વારંવાર રિવાઈઝ થઈ રહી હતી તો વુડાએ કદી સાઇટ તપાસ કેમ ન કરી? શું વુડાના ટાઉન પ્લાનિંગ વિભાગે બાંધકામમાં કોઇ વિલંબ કે ગેરરીતિ જોવા છતા પણ રજા આપી હતી? મહત્વનું છે કે, રિવાઈઝ રજા ચિઠ્ઠી કોઈ તકેદારી વગર અપાઈ રહી હોય તો તેમાં વુડાની કાર્યવાહી અને સમીક્ષા પ્રણાલી પણ પ્રશ્નમાં આવે છે. હાલમાં જે દસ્તાવેજો બહાર આવ્યા છે તે મુજબ, કોઈ એક બાંધકામ સાઇટ માટે ત્રણથી વધુ વખત રિવાઈઝ રજા ચિઠ્ઠી અપાઈ છે.

NRS પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ પર ફ્રોડનો આક્ષેપ લગાવનારા દેવ નંદન ગૌતમે વર્ષ 2014માં 7.7 લાખ રૂપિયા ચૂકવી 1BHK મકાન બુક કરાવ્યું હતું. શરૂઆતમાં આ યોજનાનું નામ ‘સિટી પલ્સ’ હતું, જે પછી બદલાઈને ‘ડવ ડેક 2’ રાખવામાં આવ્યું. પણ આજે 10 વર્ષ બાદ પણ મકાન મળ્યું નથી. મામલો રેરા સુધી પહોંચતા બિલ્ડર સામે કાર્યવાહી શરૂ થઈ છે. રેરાએ NRS પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડના અધિકૃતોને 14 ઓગસ્ટ, 2025ના રોજ થનારી સુનાવણીમાં હાજર રહેવા નોટિસ આપી છે. રેરા તરફથી કંપનીને અગાઉ પણ રૂ. 2.05 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. NRS પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક નીમિત સાંગાણી અગાઉ પણ વિવાદોમાં રહેલા છે. દેવ નંદન ગૌતમે જણાવ્યું હતું કે, આ NRS પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા આ ફ્રોડમાં અનેક લોકોએ બુકિંગ કરાવેલું છે. હજુ સુધી કોઈને મકાન મળ્યું નથી કે પૈસા પરત મળ્યા નથી. હવે તેઓ માંગ કરી રહ્યા છે કે અન્ય ભોગ બનેલા લોકો પણ રેરામાં આગળ આવે અને ન્યાય માટે લડી શકે.

Most Popular

To Top