Comments

કહેવાય ગાંડો બાવળ પણ એ ધરતીમાતાનું ડાહ્યું વૃક્ષ સંતાન છે

ડુંગરની ધાર્યુંમાં, સીમની કાંટ્યુંમાં અને નદીનાં વેકરામાં ઠેરઠેર પથરાઈ પડેલા બાવળિયા બાલુડાઓનાં મોઈ-ડાંડીયાથી માંડી ખેતરોમાં હળ અને ત્રિકમ પાવડાના હાથા બનીને ખેતીમાં ખભો બન્યા છે તો રસોડામાં બળતણ બની સહુ સાથે જબરી પ્રીત કેળવી છે! નોર્થ મેકિસકોમાંથી ૧૭૦૦ વર્ષો પહેલાં આપણા દેશમાં આવી વસેલા આ પ્રોસોફિસ જયુલીફલોરા જુદી જુદી બેતાળીસ પ્રજાતિઓમાં પૂર્વ આફ્રિકામાં મસાઈમારાથી આપણાં સાસણગીર સુધી વિકસેલા જોવા મળે છે. હવામાંનો નાઈટ્રોજન જમીન સુધી ખેંચી લાવી તથા સૂકા પાનને પડવાસ પાથરી જમીનની સેન્દ્રિયતા વધારતા ગાંડા બાવળના એક ટન લાકડાંમાંથી ૫૦,૦૦૦ કીલો કેલેરી ઉષ્ણતા શકિત ઉત્પન્ન થાય છે.

૮ થી ૧૬% ફુડ પ્રોટીન, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવાં તત્ત્વો ધરાવતા બાવળનાં પરડા (શિંગ)ની મીઠાશ પશુપ્રાણીઓનાં ખાણદાણ માટે ઉપયોગી પુરવાર થઈ છે. કેલ્શિયમ સોલ્યુલોઝ અને આલ્કોહોલ પ્રકારનાં દ્રવ્યો આપતો બાવળ પોતાનું જતન કરનાર માલિકને વરસે દાડે એક હેકટરે રૂા. ૨૭૦૦૦ રળી આપે છે. ધોવાતી જમીન અને વધતી ખારાશને બચાવી લેવા બાવળ એક રામબાણ ઈલાજ છે. તે વાતને લઈ ભાવનગરથી સુરેન્દ્રનગર(ખોડિયાર)ને આંગણે દેશ વિદેશથી ૧૭૫ વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને જિજ્ઞાસુઓ ડૉ. વિઠ્ઠલભાઈ (વિઠ્ઠભાઈ) પટેલના આયોજન નીચે વર્ષ ૧૯૮૬માં એકત્ર થએલા આ સેમીનાર દરમિયાન સંશોધકો માટે ભાલ પંથકના ૯૦૦૦ હેકટરના ખારા પટમાં પથરાએલ ગાંડા બાવળનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટર સુધી વિસ્તરેલો દરિયાકિનારો હવે સરેરાશ ૩૮ કિલોમીટર સુધી આગળ વધી પોતાની ખારાશ વિસ્તારી રહ્યો છે. એટલું જ નહીં પણ દરિયાકાંઠા ઉપરથી ઊડતી ખારી માટી અને ક્ષારયુક્ત હવાથી કચ્છથી સુરત સુધીની મીઠી જમીનના પાકને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે દરિયાકિનારાના ક્ષાર આગળ વધતાં રોકવા માટે બાવળ એક ઉત્કૃષ્ટ વૃક્ષ બને છે.

ભાવનગરના દરિયાકિનારે એકસેલ ઈન્ડસ્ટ્રીઝથી ૧૯૮૦ના દાયકામાં પ્રકૃતિ વિજ્ઞાની શ્રી કાંતિસેન શ્રોફે ઈન્ડસ્ટ્રીઝના જે ભાગમાં દિવસમાં બે વખત દરિયાનાં પાણી ફરી વળતાં હતાં ત્યાં પ્રથમ તબક્કે ઈન્ડસ્ટ્રીયલ રેસીયુના પાળા કરી તેના ઉપર કાળી માટી પાથરી પાળાની જમીન ઉપર ખારાશ ચૂસી લેતું મોરડ પ્રકારનું દરિયાઈ ઘાસ ઉગાડયું. બીજા તબક્કામાં ૧૭૪ કવેર મીટરના પ્લોટમાં કે જ્યાં માત્ર સફેદ ક્ષાર તરીકે મીઠું જોવા મળતું ત્યાં કાળી માટીના પાળા કરી તેના પર ઘાસ અને ૨ વર્ષ બાદ ગાંડા બાવળ રોપ્યાં.

ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ બોર્ડ અને પ્રાધ્યાપક ડૉ. સતીષ પાઠકના સંયોજનથી ખારી જમીનમાં બાવળના પાન વેરાઈ સેન્દ્રિય ખાતરયુક્ત નાઇટ્રોજન ફીકસ થતાં એ જ જમીનમાં સાતમા વરસે રીંગણી અને મરચાં ઊગતાં થયાં. એટલું જ નહીં પણ ૧૭૪ મીટરમાં ઉભેલા બાવળની શીંગોમાંથી સેલ્યુલોઝ પ્રોટીન અને સ્ટાર્ચસભર પશુ આહાર તૈયાર થયો.
ક્ષારયુક્ત જમીન ઉપર પ્રભુત્વ દાખવી સોળે કળાએ લીલાંછમ રહેતા બાવળની પ્રજાતિ પોતાની આસપાસનું પાણી અને ભેજ ખેંચી કાઢે છે. આથી બાવળના વર્ચસ્વવાળી જમીન ઉપર બીજાં વૃક્ષો કે ઘાસ ઊગવાની સંભાવના નહીંવત્ થઈ જાય છે. આથી જ તો ગુજરાતની વિધાનસભાએ ફેબ્રુઆરી ૧૯૮૬માં ઠરાવ કરી ફોરેસ્ટની મહામૂલી સંપત્તિ જેવા ૨૯૦૦૦ એકરમાં ફેલાએલ બાવળને ખોદીને બળતણમાં વાપરવાની પ્રજાને છૂટ આપી છે.

ગુજરાતની પૂર્વ પટ્ટી ઉપરથી મહુડાનાં વૃક્ષોનો નાશ, સૌરાષ્ટ્રના ખડકાળ વિસ્તારમાંથી હાથીયા થોરના નાશના હુકમ જેવો જ બાવળ નાશના નિર્ણય સરકારની ભૂલભરેલી નીતિ સાબિત થાય છે. પ્રાકૃતિક પસંદગીના સહજ ક્રમમાંથી ભારતના પશ્ચિમ તટથી વિકસેલ બાવળ આજે છેક કન્યાકુમારી અને ઉત્તરે જમ્મુથી લઈ આસામ સુધી વિસ્તર્યા છે ત્યારે તેના નાશના બદલે ગ્લોબલ વોર્મિંગ વચ્ચે, આકાશમાંથી ઊતરતા આકરા તડકા વચ્ચે જમીનને ઢાંકી રાખી જમીન ઉપરના પ્રથમ ૧૦ ઈચમાં વસતા રાઈઝોબીયમ બેકટેરીયાનું જતન કરતાં ગાંડા બાવળની ઉપયોગિતા જાણવી જ રહી.

ગુજરાતના કાંઠા વિસ્તારમાં ખેતીનાં ઓજારો, બળતણ માટે જાડું થડ તથા પશુ માટે પ્રોટીનયુક્ત ખોરાક તરીકે વધુ શીંગો આપતા ગાંડા બાવળનાં ટીશ્યુકલ્ચર માટે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઈન્સ્ટીટયુટે સફળ પ્રયોગો કર્યા છે તો મોટી ધરાઈ ગામે ભારત સરકારના ગ્રામ કેન્દ્રની સ્થાપના થકી વિકાસવિદ્ શ્રી સનતભાઈ મહેતા દ્વારા બાવળની શીંગોમાંથી પોષક આહાર તેના બીજમાંથી ગમ પાવડર તૈયાર કરીને ખારાપટની શાળાઓનાં બાળકોને સ્વ રોજગાર આપવાના સફળ પ્રયોગો થયા છે. દેશના કૃષિ પંડિત ડૉ. વિઠુભાઈ પટેલ દ્વારા બાવળના લાકડાંમાંથી તૈયાર થએલ કૃષિ સાધનો અને ઘર વપરાશ માટેનું ૬૦થી વધુ ફર્નીચર આઈટમ તૈયાર કરી પ્રદર્શિત કરવામાં આવ્યું છે તો ચારકોલ માટે શ્રેષ્ઠ ફયુઅલ એફીશંસી ધરાવતા બાવળના લાકડાનાં અસરકારક ઉપયોગ માટે ૧૦,૦૦૦ થી વધુ નર્ધૂમ ચુલાને કાંઠા વિસ્તારનાં ઘરોમાં મૂક્તા સેન્ટર ફોર રૂરલ કેર દ્વારા ગ્રામ સ્ત્રીઓની આંખ અને ફેફસાંના સ્વાસ્થ્યમાં નોંધનીય કામ થયું છે. જે પથદર્શક બને છે.

અતિશય વિપરીત પરિસ્થિતિમાં પણ લડત આપી ધરતીની સેવા ખાતર લડાયક જીવન અપનાવનાર જલ્દી અને વ્યાપક રીતે વિસ્તારનાર બાવળનું નામ દુર્ભાગ્યે ગાંડો ગણાયું છે. પણ તેની ઉપયોગિતા, વિદેશી નીલગીરી કે આજકાલ વિસ્તરેલ કોનોકાર્યસથી અનેક ગણી વધુ છે ત્યારે ખેડૂતો પણ શેઢા, પાળા અને ખારી પડતર જમીન ઉપર પુનીંગ કરેલા બાવળને વૃક્ષની જેમ ઉગાડે તો ભાવિ પેઢી માટે ખેતીની જમીનમાં વધારો થતો જશે. શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ વચ્ચે કપાતી જતી કૃષિ જમીનમાં વધારો કરવાના છેલ્લા ઉપાયે બાવળ આધારે દરિયાઈ પક્ષીઓ ઊંચા વૃક્ષ ઉપર નિવાસ અને બ્રીડીંગ કરી શકશે તેમ વનચર પશુઓનું જીવન લંબાશે. ગ્લોબલ વોર્મિંગ અને સતત બદલાતા પર્યાવરણના પડકાર સામે મુકાબલો કરી શકે તેવા એક માત્ર બાવળને ફરી સમજવાની હવે અનિવાર્યતા ઊભી થઈ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top