વડોદરા મહાનગરપાલિકા તરફથી શહેરના 19 વોર્ડમાંથી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર 19 સફાઈમિત્રોને પસંદ કરી તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા દર બે મહિને દરેક વોર્ડમાંથી શ્રેષ્ઠ સફાઈમિત્રને પસંદ કરીને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પહેલ વડોદરા શહેરમાં સફાઈ કાર્યમાં સુધારો લાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જૂન ૨૦૨૫ માટે પસંદ થયેલા શ્રેષ્ઠ સફાઈમિત્રોને મેયર પિંકી સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલના હસ્તે પ્રમાણપત્ર અપાયા હતા. સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના 4589 શહેરોમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024 યોજાયું હતું. રીડયુસ, રિયુઝ, રિસાયકલ થીમ પર આધારિત આ સર્વેક્ષણમાં વડોદરા શહેરે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 18મું સ્થાન મેળવ્યું છે. ઉપરાંત ગુજરાત રાજ્યમાં વડોદરાને પ્રોમિસિંગ સ્વચ્છ શહેર ઓફ ગુજરાત તરીકે ખાસ એવોર્ડ પણ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં શ્રેષ્ઠ સફાઈમિત્રોને દર બે મહિને પુરસ્કાર અપાઈ રહ્યા છે. જેથી સફાઈ કર્મચારીઓમાં કામ પ્રત્યે પ્રતિબદ્ધતા વધે અને સફાઈ કામગીરી વધુ મજબૂત બને.