6 કરોડનું દેવું થતાં આર્થિક સંકડામણ ને પગલે પગલું ભર્યું? પત્નીએ જણાવ્યું “અમારી બેંક લોન ચાલે છે
નંદેસરી જીઆઇડીસી માં પેટ્રોલ પંપ ધરાવે છે અને અલગ અલગ ફાયનાન્સ બેંકમાંથી રૂ.3 કરોડ તથા સગાં સંબંધીઓ પાસેથી રૂ.3 કરોડ મળીને કુલ છ કરોડ નું દેવું થતાં પગલું ભર્યું
(પ્રતિનિધિ) વડોદરા તા.22
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા દેવડા પરિવારે ગત બપોરે 4:00 વાગ્યે એક સાથે ઝેરી દવા પી જીવતર ટૂંકાવા માટે પ્રયાસ કર્યો હતો. બાદ પરિવાર પોતાના વતન દાહોદ તરફ જતા જરોદ પાસે તેમને ઉલટી થવા માંડી હોવાથી ગાડીમાં જાતે જ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા આવ્યા હતા. પેટ્રોલ પંપના માલિકે આર્થિક સંકડામણ ને કારણે પત્ની અને ત્રણ બાળકોને ઝેર પીવડાવી આ પગલું ભર્યું હતું. તમામને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા જેમા બે બાળકોને ઠીક લાગતાં સગાને ત્યાં નિકળી ગયા હોવાનું તથા ત્રણ સારવાર હેઠળ હોય સમગ્ર મામલે જવાહરનગર પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર, વિગતો મૂળ દાહોદના વતની અને છેલ્લા કેટલાક સમયથી ગોરવા વિસ્તારમાં આવેલી જલાનંદ ટાઉનશીપ નજીક આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતા અને નંદેસરી જીઆઇડીસીમા પેટ્રોલ પંપ ચલાવતા આશરે 52 વર્ષીય સુભાષ સલુભાઈ દેવડા, 49 વર્ષીય તેમના ધર્મપત્ની સુરેખાબેન, 23 વર્ષીય દીકરો હેત, 17 વર્ષીય દીકરી હોવા અને પાંચ વર્ષીય દીકરો પાનવ રહે છે. સુભાષ દેવડા પર વિવિધ ફાયનાન્સ બેંકમાંથી રૂ .3 કરોડની લોન લીધી હતી તથા સગાં સંબંધીઓ મિત્રો પાસેથી હાથ ઉછીના રૂ.3 કરોડ લીધા હતા એમ આશરે કુલ છ કરોડનું દેવું થઈ જતાં પરિવાર આર્થિક સંકડામણ અનુભવતા દેવડા પરિવાર ગત બપોરે પોતાના ઘરે ચાર વાગ્યે ભેગા થયા હતા. ચા પાણી પીધા પછી કોઈ કારણસર તમામે ઝેરી દવા ગટગટાવી હતી. દવા પી પરિવાર પોતાની ગાડીમાં દાહોદ વતન તરફ જવા નિકળ્યા હતા પરંતુ જરોદ પાસે તમામને ઉલટી થવા માંડી હતી અને ઘબરામણ થતાં તેઓ ગાડી લઈને એસ.એસ.જી.હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તમામને અલગ અલગ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી જેમાં મોટા પુત્ર અને પુત્રીને ઓછી અસર થઈ હોય તેઓને ઠીક લાગતાં હોસ્પિટલમાં થી જતાં રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે જ્યારે સુભાષભાઈ દેવડા તથા તેમના પત્ની સુરેખાબેન અને પાંચ વર્ષીય દીકરો પાનવને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે જ્યાં તેઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.સમગ્ર મામલે જવાહરનગર પોલીસે તપાસ હાથ ધરી છે . નોંધનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદ જિલ્લાના બગોદરા એસટી બસ સ્ટેન્ડ ની બાજુમાં ભાડેથી રહેતા રિક્ષા ચાલકના પરિવારે પણ પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી જીવન લીલા સંકેલી લીધી હતી. આર્થિક ભીંસ અનેકના જીવનને ભરખી જતી હોય છે.
અમે સાથે જ નર્મદા કેનાલમાં ઝંપલાવવાનું નક્કી કરી નીકળ્યા હતાં
અમારી બેંક લોન ચાલે છે છ કરોડ જેટલું દેવું થઈ ગયું હતું પતિ ટેન્શનમાં રહેતા હતા. અમે ગતરોજ એકસાથે દવા પીધી હતી અને હાલોલ તરફ નિકળ્યા હતાં જ્યાં કેનાલમાં એકસાથે ઝંપલાવવાનું પણ નક્કી કર્યું હતું. મારે સરકાર પાસે કે કોઇ પાસે કશું નથી માંગવું. સૌ પ્રથમ મેં ઝેર લીધું હતું નાના બાળકને ઓછું આપ્યું હતું. આ જીવન જોઇતું જ નથી.આગળ શું કરીશુંતે નથી ખબર મારે વધારે કંઈ નથી કહેવું.
-સુરેખાબેન દેવડા – સુભાષભાઇ ના ધર્મપત્ની
અમને પરિવાર એસ.એસ.જી.મા દાખલ થયો ત્યારે જાણ થઇ તપાસ અને જરૂરી કાર્યવાહી ચાલુ છે.
સુભાષભાઇ નંદેસરી જીઆઇડીસીમા પોતાનો પેટ્રોલ પંપ ધરાવે છે વિવિધ ફાયનાન્સ બેંકમાંથી તથા સગાંસંબંધીઓ પાસેથી આશરે છ કરોડ લીધેલા હોવાને કારણે દેવું થઈ જતાં ગત બપોરે આશરે ચાર વાગ્યે દવા પી પોતાના વતન દાહોદ તરફ રાત્રે આઠેક વાગ્યે જતા હતા જ્યાં જરોદ પાસે તબિયત બગડતાં જાતે ડ્રાઇવ કરી એસ.એસ.જી. હોસ્પિટલમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે આવ્યા હતા. ત્યારે અમને જાણ થઇ હતી બાળકો અને તમામની સ્થિતિ રાત્રે જ સુધારા પર આવી હતી. પોલીસ સમગ્ર મામલે તપાસ અને જરૂરી કાર્યવાહી કરી રહી છે.
*-જે.એન.પરમાર,પી.આઇ.જવાહરનગર પોલીસ