43 બ્રિજની ચકાસણી માટે નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ રિપોર્ટ થયો કે નહીં ?
31 મેના રિપોર્ટમાં કાલાઘોડા બ્રિજ માટે તાત્કાલિક સમારકામ કહેવામાં આવ્યું, અન્ય બ્રિજોના સમારકામની ભલામણ છે કે કેમ તે જાહેર કરાયું નહીં
વડોદરા: વડોદરા જિલ્લાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના તમામ બ્રિજોની સ્થિતિ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. ત્યારબાદ વડોદરા મહાનગર પાલિકા દ્વારા પણ શહેરના કુલ 43 બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જોકે, હાલ આ ચકાસણી માત્ર વિઝ્યુઅલ સ્તરે થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાલિકા તરફથી તાજેતરમાં જાહેર કરાયેલી માહિતી મુજબ, કેટલા બ્રિજ હાલ ઉપયોગમાં છે અને કેટલા બંધ છે તે અંગેના આંકડા આપવામાં આવ્યા હતા. સાથે સાથે બધાજ બ્રિજ સલામત હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ નિયમ મુજબ, બ્રિજોની ચકાસણી દરમિયાન NDT એટલે કે નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ રિપોર્ટ ફરજિયાત હોય છે. જોકે, NDT રિપોર્ટ કરવામાં આવ્યો છે કે નહીં, તે અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. જેને લઈને હવે પ્રશ્ર્નો ઊભા થયા છે. વિશેષ નોંધનીય છે કે, છેલ્લા થોડા વર્ષોમાં બ્રિજના સમારકામ પાછળ અંદાજિત 15 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે. છતાં પાલિકા હાલમાં કેટલાય મુદ્દાઓમાં સ્પષ્ટતા આપી શકી નથી. તાજેતરમાં, 31 મેના રોજ તમામ બ્રિજોના રિપોર્ટ સબમિટ કરાવાયા હતા. જેમાં કાલાઘોડા બ્રિજને તાત્કાલિક સમારકામની જરૂર હોવાનું જણાઈ આવ્યું હતું. પરંતુ આ રિપોર્ટના આધારે બીજા કયા બ્રિજ માટે પણ સમારકામની ભલામણ થઈ છે કે નહીં તે અંગે કોઈ વિગત હજુ જાહેર કરવામાં આવી નથી.
પાલિકા દ્વારા અત્યાર સુધીમાં કેટલા બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવાયા છે અને તે ક્યારે કરાવાયા છે, તેની માહિતી પણ જાહેર કરવામાં આવી નથી. યાદ રહે કે, થોડા સમય પહેલાં પંડ્યા બ્રિજમાંથી પોપડા પડી ગયા હતા, છતાં પાલિકાએ તે બ્રિજને “સલામત” હોવાનું જણાવ્યું હતું. જેને કારણે બ્રિજ ચકાસણીના ઢાંચા અને પ્રક્રિયા સામે ફરી શંકા ઉભી થઈ રહી છે. શહેરના 43 બ્રિજ પૈકી હાલ બે બ્રિજ ઉપયોગમાં નથી. જ્યારે અન્ય બ્રિજ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાલિકાએ અલગ અલગ પાંચ ટીમો બનાવી શહેરના બ્રિજોની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરવા કહેવાયું હતું.
બ
શા માટે જરૂરી છે નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ(NDT) રિપોર્ટ?
વડોદરા શહેરમાં હયાત બ્રિજોની સ્થિતિ જાણવાનો એક મહત્વપૂર્ણ ટેસ્ટ NDT એટલે કે નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ રિપોર્ટ કરવામાં આવ્યો છે જે કેમ તેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે. નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ પરીક્ષણ બ્રિજને કોઇપણ નુકસાન કર્યા વિના તેની માળખાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. આ પદ્ધતિ દ્વારા પુલમાં સંભવિત ત્રુટિઓ કે ખામીઓ વહેલી તકે ઓળખી શકાય છે. જેનાથી પુલની સમયસર જાળવણી શક્ય બને છે અને સલામતી સુનિશ્ચિત રહે છે. NDT રિપોર્ટમાં વિવિધ પ્રકારની ટેસ્ટિંગ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. જેમ કે અલ્ટ્રાસોનિક પરીક્ષણ અને રેડિયોગ્રાફિક પરીક્ષણ. આ ટેસ્ટ બ્રિજના મુખ્ય ઘટકો જેમ કે ડેક, સપોર્ટ અને સ્ટીલના ભાગોમાં થાય છે. રિપોર્ટમાં દરેક ઘટકની હયાત સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવે છે. આ રીતે NDT રિપોર્ટ દ્વારા બ્રિજના માળખામાં ક્યાંક નુકસાન છે કે કેમ તે જાણી શકાય છે અને જરૂર હોય ત્યારે યોગ્ય પગલાં લઈ શકાય છે. હવે આ રિપોર્ટ પાલિકાએ શહેરના તમામ બ્રિજોનો કર્યો છે કે કેમ તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.